ટી-૨૦ વર્લ્ડકપમાં વાપસી કરશે ઈંગ્લેન્ડનો ખૂંખાર બોલર
ટી-૨૦ વર્લ્ડકપની શરૂઆત જૂનમાં થવાની છે. અનેક ટીમોએ આ માટે તૈયારી શરૂ કરી દીધી છે. ઈંગ્લેન્ડની ટીમ માટે સારા સમાચાર છે. જોફ્રા આર્ચર ઈંગ્લેન્ડનો એ બોલર છે જે એકલો મેચનું પાસું પલટાવી નાખવામાં સક્ષમ છે. જો કે પેછાલા અમુક વર્ષોથી તે ઘણી મોટી ટૂર્નામેન્ટ રમી રહ્યો નથી. જો કે હવે તે પાછો આવવા માટે તૈયાર છે.
ઈંગ્લેન્ડ મેન્સ ક્રિકેટના મેનેજમેન્ટ ડાયરેક્ટર રૉબ કીએ જણાવ્યું કે જોફ્રા આર્ચર આ ગરમીમાં ટેસ્ટ ક્રિકેટ રમશે નહીં પરંતુ આશા છે કે તે જૂનમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપ માટે તૈયાર થઈ જશે. તેમણે કહ્યું કે જ્યારે બેન સ્ટોક્સની આગેવાનીમાં ઈંગ્લેન્ડની ટીમ વિન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી રમશે તો જોફ્રા આર્ચર ટીમનો હિસ્સો નહીં હોય પરંતુ જૂનમાં પાકિસ્તાન સામેની ટી-૨૦ શ્રેણીમાં તે ટીમ સાથે જોડાઈ જશે.
ઉલ્લેખનીય છે કે જોફ્રા આર્ચરે પાછલા થોડા સમયથી અનેક મોટી ઈવેન્ટ મીસ કરી દીધી છે. તેણે આઈપીએલ-૨૦૨૩માં વાપસી કરી હતી અને પાંચ જ મુકાબલા રમ્યો અને બે વિકેટ પોતાના નામે કરી હતી. આ પછી તેણે બાંગ્લાદેશ વિરુદ્ધ માર્ચમાં અંતિમ વન-ડે અને ટી-૨૦ મેચ રમી હતી પરંતુ ઈજાને કારણે તે બહાર થઈ ગયો હતો.