આમ્રપાલી સિનેમા પાસે અંકુશ ખમણના લોટમાં જીવાત ફરતી’તી !
ગોંડલ રોડ પર બાલાજી નમકીન એન્ડ સમોસામાંથી ૩૨ કિલો વાસી કચોરી, છાશનો જથ્થો પકડાયો
અમીન માર્ગ પર કભી’ભી કેક સ્ટુડિયોમાંથી વાસી પફ મળ્યા
મહાપાલિકાની ફૂડ શાખાએ એક સાથે ત્રણ મોટી પેઢીમાં દરોડો પાડી વાસી ખાદ્યપદાર્થનો ઢગલો પકડી પાડતાં સ્વાદશોખીનોમાં ગજબનો રોષ ફેલાઈ જવા પામ્યો હતો. ફૂડ શાખાએ સુભાષનગર મેઈન રોડ પર જૂની આમ્રપાલી સિનેમા પાસે આવેલા અંકુશ ખમણ હાઉસમાં દરોડો પાડી તપાસ કરતાં ત્યાં ખમણના લોટમાં જીવાત ફરી રહેલી જોવા મળતાં જ આવા દસ કિલો લોટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગોંડલ રોડ પર વિજય પ્લોટ શેરી નં.૧૦ના ખૂણે આવેલા બાલાજી નમકીન એન્ડ સમોસામાંથી વાસી કચોરી, સમોસાનો મસાલો, લેબલિંગ વગરની પેક્ડ છાશ સહિત ૩૨ કિલોનો જથ્થો તો અમીન માર્ગ પર કભી’ભી કેક સ્ટુડિયોમાંથી દસ નંગ વાસી પફ પકડાતાં સ્થળ પર જ તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો.
ફૂડ શાખાએ કસ્તુરબા રોડ પર આર.વર્લ્ડ સામે સ્વિન્સ્ટા એન્ટરપ્રાઈઝમાંથી હલ્દીરામ ગુજીયા, ભીખારામ ચાંદમલ-માવા ડ્રાયફ્રૂટ ગુજિયા અને સાંચી ઘીના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા હતા.