ક્રિકેટર મયંક અગ્રવાલને ઝેર આપવાનો પ્રયાસ ?
મયંકે પોતાના વિરુદ્ધ કાવતરું રચાયાની નોંધાવી પોલીસ ફરિયાદ: ત્રિપુરા સામે રણજી ટ્રોફીની મેચ રમીને સુરત આવતી વખતે વિમાનમાં બનેલી ઘટના
ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલે ફ્લાઈટમાં બીમાર પડવા અને હોસ્પિટલમાં દાખલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રિપુરા વિરુદ્ધ રણજી ટ્રોફીની મેચ રમ્યા બાદ મયંક કર્ણાટકની ટીમ સાથે ફ્લાઈટમાં સુરત આવવા માટે ઈન્ડિગોની ફ્લાઈટમાં બેઠો હતો. મયંકે કાવતરાનો આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા પ્રમાણે તેણે પાણી સમજીને એક પાઉચમાં રહેલું પીણું પીધું હતું જે વિમાનમાં તેની સીટ પર પડ્યું હતું. આ પીણું પીધાં બાદ તે બીમાર પડી ગયો છે !
આ ઘટના બાદ કાલે સુરતમાં રેલવે વિરુદ્ધ રણજી ટ્રોફીની મેચમાંથી મયંક બહાર થઈ ગયો છે. આ અંગે પશ્ચિમ ત્રિપુરાના એસપી કિરણ કુમારે જણાવ્યું કે આ ઘટનાની તપાસ માટે ન્યુ કેપિટલ કોમ્પલેક્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. મયંકે પીણું પીધાની સાથે જ તેના મોઢામાં બળતરા થવા લાગી અને તે બોલી શકતાો ન્હોતો જેના કારણે તેને હોસ્પિટલે લઈ જવાયો હતો. તેનું મોઢું સોજી ગયું હતું અને મોઢામાં ચાંદા પડી ગયા છે. જો કે હાલ તેની તબિયત સુધારા પર છે.
મયંકને ઝેર અપાયાની વાત ખોટી: કર્ણાટક ક્રિકેટ એસો.
કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે મયંક ઉપર કોઈ પ્રકારનો ખતરો નથી. તે અત્યારે અગરતલાની એક હોસ્પિટલમાં છે અને ડૉક્ટરો તરફથી અપડેટ મળ્યા બાદ અમે તેને પરત બેંગ્લોર લાવશું. અત્યારે જે પ્રકારની અફવાઓ ઉડી રહી છે તેમાં કોઈ વાસ્તવિક્તા નથી.
પાણી સમજીને તરલ પદાર્થ પી લેવાથી આવું બન્યું હોઈ શકે
ત્રિપૂરા ક્રિકેટ એસો.ના એક અધિકારીએ જરાવ્યું કે ટીમ વિમાનમાં હતી અને મયંકને બેચેની અનુભવાતા તે વિમાનમાં જ ઊલટી કરવા લાગ્યો હતો. આ પછી તે વિમાનમાંથી ઉતરી ગયો હતો. આખરે મયંકે શું પી લીધું છે તે વિશે કશું કહી શકાય તેમ નથી. જ્યારે સૂત્રોએ એવું કહ્યું કે કદાચ કોઈ પારદર્શી તરલ પદાર્થને પાણી સમજીને પી લેવાને કારણે મયંકની આવી હાલત હોઈ શકે છે.