ક્યારેક તો દિમાગનો ઉપયોગ કરો: રોહિતનો પાક.ને જવાબ !
ઈન્ઝમામ હક્ક-સલિમ મલિક સહિતનાએ ભારત પર લગાવ્યો’તો ચોંકાવનારો આક્ષેપ
ટી-૨૦ વર્લ્ડકપમાં શરમજનક પ્રદર્શન કરીને પરત ફરેલી પાકિસ્તાન ટીમની કમીઓ શોધવાની જગ્યાએ તેના પૂર્વ ખેલાડીઓ ભારત ઉપર આક્ષેપ કરવા લાગ્યા છે. પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હક્કે ભારત ઉપર બોલ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે રોહિત શર્માએ આ આક્ષેપનો સણસણતો જવાબ આપ્યો છે.
રોહિત શર્માને આ અંગેનો પ્રશ્ન પૂછાતાં તેણે ભડકતાં કહ્યું કે હું આમાં શું જવાબ આપું ? જ્યારે તમે આટલા તડકામાં રમી રહ્યા છો અને પીચ સૂકી હોય તો બોલ આપોઆપ રિવર્સ થઈ જશે. તમામ ટીમ રિવર્સ સ્વિંગ કરાવી રહી છે. ક્યારેક ક્યારેક થોડો મગજ વાપરવો પણ જરૂરી હોય છે અને સમજવું પણ જરૂરી બની જાય છે કે આપણે કેવી સ્થિતિમાં રમી રહ્યા છીએ. અમે ઈંગ્લેન્ડ કે આફ્રિકાની પીચ ઉપર નથી રમી રહ્યા !
ઉલ્લેખનીય છે કે ઈન્ઝમામે એવો આક્ષેપ કર્યો હતો કે ઑસ્ટે્રલિયા સામે અર્શદીપ ૧૫મી ઓવર કરી રહ્યો હતો ત્યારે બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો. નવા બોલથી આટલી ઝડપી રિવર્સ સ્વિંગ હાંસલ કરી શકાતી નથી. અમ્પાયરોએ પોતાની આંખ ખુલ્લી રાખવી જોઈએ. જ્યારે પૂર્વ કેપ્ટન સલીમ મલિકે કહ્યું હતું કે અમુક ટીમો હોય ત્યારે અમ્પાયર આંખો બંધ કરી છે જેમાં ભારત પણ સામેલ છે !