કોહલીની ગરદન જકડાઈ ગઈ ! રાજકોટમાં નહીં રમે
૨૩ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર સામેની પંત રમશે, કોહલી કદાચ ટીમ સાથે રાજકોટ આવી શકે
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી તેમજ કે.એલ.રાહુલે રણજી ટ્રોફીમાં ન રમવાનો નિર્ણય લીધો છે. આ બન્નેએ ન રમવા પાછળ પોતાની ઈજાને કારણભૂત ગણાવી હતી. ઑસ્ટે્રલિયા પ્રવાસે નિરાશાજનક પ્રદર્શન બાદ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓને ઘરેલું ક્રિકેટમાં ભાગ લેવો ફરજિયાત કર્યો હતો. દરમિયાન ૨૩ જાન્યુઆરીએ રાજકોટમાં દિલ્હી-સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફી મુકાબલો છે જેમાં દિલ્હી ટીમમાં કોહલીને સ્થાન અપાયું છે પરંતુ તેની ગરદન જકડાઈ જતાં તે આ મેચ રમશે નહીં. જ્યારે ઋષભ પંત સૌરાષ્ટ્ર સામે રાજકોટમાં રમશે. જો કે કોહલી પ્રેક્ટિસ કરવા માટે કદાચ રાજકોટ આવી શકે છે.
બીજી બાજુ કે.એલ.રાહુલને કોણીમાં ઈજા થતાં તેણે પણ રણજી ટ્રોફીમાં નહીં રમવાનાો નિર્ણય લીધો હતો. બન્નેએ પોતપોતાની ઈજા અંગે બીસીસીઆઈની મેડિકલ ટીમને જાણ કરી હતી. કોહલીને ગરદનમાં દુ:ખાવો હતો અને સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પૂર્ણ થયા બાદ ૮ જાન્યુઆરીએ તેણે ઈન્જેક્શન પણ લીધી હતી. જો કે હજુ તેને દુ:ખાવો થઈ રહ્યો હોય રાજકોટમાં રમાનારી રણજી ટ્રોફીની મેચમાંથી બહાર થવાનો નિર્ણય લેવો પડ્યો હતો.