કુલવંત ખેજરોલિયાએ રણજી ટ્રોફીમાં ૪ દડામાં ખેડવી ૪ વિકેટ
આ ઉપલબ્ધી હાંસલ કરનારો કુલવંત ભારતનો ત્રીજો બોલર
મધ્યપ્રદેશના ફાસ્ટ બોલર કુલવંત ખેજરોલિયાએ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં વડોદરા વિરુદ્ધ દમદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચી દીધો હતો. ટીમને વિશાળ જીત અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા ખેજરોલિયાએ રણજી ટ્રોફીની આ મેચમાં સળંગ ચાર દડામાં ચાર વિકેટ મેળવી હતી. તે મધ્યપ્રદેશ માટે ફોર-ટ્રીક લેનારો પહેલો બોલર બન્યો છે જ્યારે રણજી ટ્રોફીના ઈતિહાસમાં આ ઉપલબ્ધી હાંસલ કરનારો ત્રીજો બોલર છે.
ટૂર્નામેન્ટમાં પોતાની પાંચમી મેચ રમનારી મધ્યપ્રદેશની ટીમે પહેલી ઈનિંગમાં ૪૫૪ રન બનાવ્યા હતા જેની સામે વડોદરા ૧૩૨ રન જ બનાવી શકતાં ફોલોઓન મળ્યું હતું. આ ઈનિંગમાં બરોડા વતી શાશ્વત રાવતે ૧૦૫ રનની ઈનિંગ રમી હતી પરંતુ કુલવંતે તેને આઉટ કર્યો હતો. આ પછી બાકીની ત્રણ વિકેટ ત્રણ દડામાં મેળવી હતી.
કુલવંત પહેલાં આ ઉપલબ્ધી ૧૯૮૮માં દિલ્હીના શંકર સૈની અને ૨૦૧૮માં જમ્મુ-કાશ્મીરના મોહમ્મદ મુદાશિરે હાંસલ કરી હતી. જો કે કુલવંતે ચાર વિકેટ મેળવ્યા બાદ ઓલરાઉન્ડર અતીત શેઠને આઉટ કરી પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ શ્રેણીની કરિયરમાં પાંચ વિકેટ મેળવી હતી. આ મેચમાં મધ્યપ્રદેશ ૫૨ રને જીત્યું હતું.