એડીલેડ ટેસ્ટમાં ભારતની કંગાળ રમત : તોળાતો પરાજય
ઓસ્ટ્રેલિયાના 337 રનના જવાબમાં બીજા દાવમાં પણ ૧૨૯ રનમાં અડધી ટીમ ઘરભેગી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની સ્થિતિ કફોડી બની છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 337 રનમાં સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 157 રનની જંગી લીડ હતી. જ્યારે ભારતે બીજી ઇનિંગમાં દિવસની રમતને અંતે પાંચ વિકેટ ગુમાવીને 128 રન કર્યા હતા. ભારત હજી 29 રનથી હજી પાછળ છે.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા વતી ટ્રેવિસ હેડે 140 રન બનાવ્યા હતા, જ્યારે ટીમ ઇન્ડિયા વતી જસપ્રીત બુમરાહ અને સિરાજે 4-4 વિકેટ વિકેટ ઝડપી હતી. બીજા દિવસની શરૂઆત ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે 86 રનથી કરી હતી. બીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતીય બોલરોએ પ્રભુત્વ જમાવ્યું હતું કારણ કે સ્ટીવ સ્મિથ મેકસ્વિનીના થોડા સમય બાદ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, માર્નસ લાબુશેન એક છેડેથી મક્કમ રહ્યો, તેણે 64 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની શાનદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 157 રનની જંગી લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ચાર-ચાર વિકેટ લીધી હતી. નીતિશ રેડ્ડીએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી અને રવિચંદ્રન અશ્વિન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં નોટઆઉટ આપ્યો
બીજા દિવસે અંપાયરિંગ સંદર્ભે મોટો વિવાદ ઊભો થઈ ગયો. એક વાર ફરી સ્નાઈકો તકનીક વિવાદોમાં આવી. આ વિવાદ ઑસ્ટ્રેલિયાની ઇનિંગના 58મી ઑવરમાં ત્યારે સામે આવ્યો જ્યારે રવીચંદ્રન અશ્વિનની બોલ મિશેલ માર્શના પૅડ પર લાગી. અશ્વિને જોરદાર અપીલ કરી, પરંતુ ફીલ્ડ અંપાયરે તેને નકાર્યો. ત્યારબાદ ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)નો આધાર લેવાયો અને ત્રીજા અંપાયર રિચર્ડ કૅટલબોરોને એ બાબતનો કોઈ ઠોસ પુરાવો નહોતો મળ્યો કે બોલ પહેલા બેટથી લાગ્યો કે પૅડથી. પરિણામે, મેદાનના અંપાયરનો ‘નૉટ આઉટ’નો નિર્ણય યથાવત રહ્યો અને ભારતે પોતાનો રિવ્યૂ ગુમાવ્યો.
રિવ્યૂમાં અલ્ટ્રા-એજ તકનીકનો ઉપયોગ કરાયો, જે ભારત વિરુદ્ધ ગયો. વિરાટ કોહલીએ પણ મેદાન પર આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી. બાબત ત્યાંજ સમાપ્ત નહોતી. નિર્ણય પછી થોડી વારે જ નવો એંગલ બતાવવામાં આવ્યો, જેમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે બોલ પહેલા પૅડ પર લાગ્યો હતો. આથી વિવાદ વધુ વકર્યો. ત્યારે કમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર મૅથ્યૂ હેડને પણ સવાલ ઉઠાવ્યો કે આ સારો એંગલ પહેલા કેમ નહોતો બતાવાયો. તેમણે કહ્યું, “સાચી માહિતી નિર્ણય પહેલા ઉપલબ્ધ હોવી જોઈએ.”