ઈંગ્લેન્ડ સામે સદી ફટકારનારો યશસ્વી ભારતનો સૌથી યુવા બેટર
૨૨ વર્ષ ૩૬ દિવસની ઉંમરે જ કરી કમાલ: રોહિત-કોહલીની ક્લબમાં થયો સામેલ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ઓપનિંગ બેટર યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારીને અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. યશસ્વીની ટેસ્ટ કરિયરની આ બીજી સદી છે જ્યારે ભારતીય ધરતી પર પહેલી વખત તેણે ૧૦૦થી વધુ રન બનાવ્યા છે. તેણે આ સદી ૧૫૧ દડામાં જ પૂર્ણ કરી હતી. આ સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત વતી ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી બનાવનારો યશસ્વી સૌથી યુવા બેટર બન્યો છે. તેણે આ કમાલ ૨૨ વર્ષ ૩૬ દિવસની ઉંમરમાં જ કરી બતાવી છે.
જો કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત વતી સૌથી ઓછી ઉંમરે સદી બનાવનારો ભારતીય બેટર પણ યશસ્વી જ છે. તેણે ૨૦૨૩માં વિન્ડિઝમાં આ કમાલ ૨૧ વર્ષ ૧૯૬ દિવસની ઉંમરે કર્યું હતું.
વિશાખાપટ્ટનમમાં સદી બનાવનારો યશસ્વી આઠમો બેટર બન્યો છે. અગાઉ આ કમાલ રોહિત, કોહલી, મયંક અગ્રવાલ, શિખર ધવન, ધોની, પુજારા અને કે.એલ.રાહુલ કરી ચૂક્યા છે. હવે યશસ્વી પણ દિગ્ગજોની આ યાદીમાં સામેલ થઈ ગયો છે. અહીં ભારત વતી સૌથી વધુ ચાર સદી વિરાટ કોહલીએ બનાવી છે તો ત્રણ સદી સાથે રોહિત શર્મા બીજા ક્રમે છે.
ભારત માટે સદી બનાવનારા સૌથી યુવા બેટર
બેટર ઉંમર હરિફ ટીમ
યશસ્વી જયસ્વાલ ૨૧ વર્ષ ૧૯૬ દિવસ વિન્ડિઝ
યશસ્વી જયસ્વાલ ૨૨ વર્ષ ૩૬ દિવસ ઈંગ્લેન્ડ
શુભમન ગીલ ૨૩ વર્ષ ૯૭ દિવસ બાંગ્લાદેશ
ઋષભ પંત ૨૩ વર્ષ ૧૫૧ દિવસ ઈંગ્લેન્ડ
વિશાખાપટ્ટનમમાં સૌથી વધુ સદી કોની ?
સદી ખેલાડી
૪ વિરાટ કોહલી
૩ રોહિત શર્મા
૧ મયંક અગ્રવાલ
૧ શિખર ધવન
૧ ધોની
૧ ચેતેશ્વર પુજારા
૧ કે.એલ.રાહુલ
૧ યશસ્વી જયસ્વાલ