ઈંગ્લેન્ડને મોટો ઝટકો: બેન સ્ટોક્સ ટી-૨૦ વર્લ્ડકપમાંથી `આઉટ’
ઑલરાઉન્ડર તરીકે સંપૂર્ણ રીતે ફિટ રહેવા લીધો બ્રેક
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે જૂનમાં રમાનારા ટી-૨૦ વર્લ્ડકપમાંથી હટી જવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે નિવેદનમાં કહ્યું કે આ એક મોટો ઝટકો છે. ટી-૨૦ વર્લ્ડકપ ૧ જૂનથી અમેરિકા-વિન્ડિઝની યજમાનીમાં શરૂ થવાનો છે જે ૨૯ જૂન સુધી ચાલશે.
ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન સ્ટોક્સે ટી-૨૦ વર્લ્ડકપમાં નહીં રમવાનો નિર્ણય માત્ર ટેસ્ટ ક્રિકેટ માટે બોલિંગ કરવા માટે સંપૂર્ણ ફિટ થવા માટે નહીં બલ્કે ભવિષ્યમાં તમામ ક્રિકેટ માટે ફિટ રહેવા માટે લીધો છે. ઈંગ્લેન્ડની ટીમ વિન્ડિઝ અને શ્રીલંકા વિરુદ્ધ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમશે.
સ્ટોક્સે કહ્યું કે હું અત્યારે આકરી મહેનત કરી રહ્યો છું અને ક્રિકેટના તમામ ફોર્મેટસમાં એક ઑલરાઉન્ડર તરીકે ભૂમિકા ભજવવા માટે બોલિંગ ફિટનેસ મજબૂત કરવા માટે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છું. આઈપીએલ અને વર્લ્ડકપમાંથી બહાર થવું એક બલિદાન હશે જે મને ભવિષ્યમાં ઑલરાઉન્ડર ખેલાડી બનવા માટે મદદ કરશે.
૩૨ વર્ષીય સ્ટોક્સના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૦,૦૦૦થી વધુ રન છે. તેણે ૧૦૨ ટેસ્ટ મુકાબલામાં ૧૩ સદી, ૧ ડબલ સદી અને ૩૧ ફિફટી સાથે ૬૩૧૬ રન બનાવ્યા છે. જ્યારે વન-ડેની ૧૧૪ મેચમાં પાંચ સદી અને ૨૪ ફિફટી સાથે તેણે ૩૪૬૩ રન બનાવ્યા છે. આ જ રીતે ટી-૨૦માં તેણે ૪૪ મેચ રમી છે જેમાં ૨ સદી અને ૨ ફિફટી સાથે ૯૩૫ રન બનાવ્યા છે. એટલું જ નહીં તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૯૮ વિકેટ પણ છે.