આયર્લેન્ડે કર્યો ઉલટફેર: વન-ડેમાં આફ્રિકાને હરાવ્યું
સ્ટર્લિંગે ૮૮ તાો ટે્રક્ટરે ઝૂડ્યા ૬૦ રન: આફ્રિકાનો ૬૯ રને પરાજય
ટી-૨૦ શ્રેણીના અંતિમ મેચની જેમ જ આયર્લેન્ડે વન-ડે શ્રેણીના અંતિમ મુકાબલામાં પણ સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. અબુ ધાબીના શેખ જાયેદ સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં આયર્લેન્ડે ૬૯ રને જીત મેળવી હતી. પહેલાં બેટિંગ કરતાં આયર્લેન્ડે ૯ વિકેટે ૨૮૪ રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકા ૨૧૫ રને ઓલઆઉટ થયું હતું. જો કે આફ્રિકાએ શ્રેણી ૨-૧થી પોતાના નામે કરી હતી.
આયર્લેન્ડ વતી હૈરી ટે્રક્ટરે ૪૮ બોલમાં ૬૦ રન ઝૂડ્યા હતા. આ સિવાય ઓપનિંગ જોડી પોલ સ્ટર્લિંગ અને બાલબર્નીએ શાનદાર શરૂઆત અપાવી હતી. ત્યારબાદ કર્ટિસ કેમ્પરે ૩૬ બોલમાં ૩૪ રન બનાવ્યા હતા તો સ્ટર્લિંગ સદી ચૂકી ગયો હતો અને તેણે ૯૨ બોલમાં ૮૮ રનની ઈનિંગ રમી હતી.
આફ્રિકાની બેટિંગ શરૂઆતથી જ ખરાબ રહી હતી અને રેયાન રિકેલ્ટન ૪ રન, રિઝા હેન્ડ્રીક્સ ૧ રન અને કેપ્ટન રાસી વાન ડેર ડુસેન ૩ રન બનાવીને આઉટ થયો હતો. એક સમયે આફ્રિકાની ૧૦ રને ત્રણ વિકેટ પડી હતી. ત્યારબાદ આવેલા બેટરોએ સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા મળી ન્હોતી.