આજે IPLમાં નક્કી થશે પ્લેઑફની ચોથી ટીમ
બેંગ્લોર-ચેન્નાઈ વચ્ચે મહામુકાબલો
બેંગ્લોરે ૧૮ રન અથવા ૧૧ દડા બાકી રાખીને જીતવું પડશે, સાથે સાથ વરસાદ વિલન ન બને તેની કરવી પડશે પ્રાર્થના ચેન્નાઈ માટે માત્ર મેચ જીતવી જરૂરી, વરસાદ પડે તો સીધી પ્લેઑફમાં એન્ટ્રી
સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ-૨૦૨૪ના પ્લેઑફમાં જગ્યા પાક્કી કરી લીધી છે. આ સાથે જ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટસ બહાર થઈ ગયા છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સે પહેલાંથી જ પ્લેઑફની ટિકિટ કપાવી લીધી છે. મુંબઈ, પંજાબ, ગુજરાતની સફર તો પહેલાંથી જ સમાપ્ત થઈ ચૂકી છે આવામાં પ્લેઑફની એક જગ્યા માટે ચેન્નાઈ અને બેંગ્લોર એમ બે જ દાવેદાર બાકી રહ્યા છે જેમાંથી એક આજે ફાઈનલ થઈ જશે. સૌથી મજેદાર વાત એ છે કે આજે ચેન્નાઈ સુપરકિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આમને-સામને ટકરાયા બાદ જ પ્લેઓફમાં પહોંચશે. ચેન્નાઈના ૧૩ મેચમાં ૧૪ અને બેંગ્લોરના ૧૩ મેચમાં ૧૨ પોઈન્ટ છે. જો કે નેટ રનરેટ મામલે ચેન્નાઈ આગળ છે. જો ચેન્નાઈ સુપરકિંગ્સે પ્લેઑફમાં પહોંચવું હોય તો બેંગ્લોર વિરુદ્ધ આજે જીત મેળવવી જ પડશે. બેંગ્લોર માટે ચેન્નાઈ સુપરકિંગ્સ કરતાં સમીકરણ મુશ્કેલ છે. તેણે નેટ રનરેટ પણ ધ્યાનમાં રાખવી પડશે. જો બેંગ્લોર ચેન્નાઈ વિરુદ્ધ પહેલાં બેટિંગ કરે છે તો તેરે ઓછામાં ઓછા ૧૮ રને જીત મેળવવી પડશે અને જો પહેલાં બોલિંગ કરે છે તો ૧૧ બોલ બાકી રાખીને મેચ પોતાના નામે કરવી જરૂરી છે. આ સ્થિતિમાં જ બેંગ્લોરને પ્લેઓફની ટિકિટ મળી જશે અને ચેન્નાઈ
આઉટ’ થશે. જો બેંગ્લોર ૧૮ રન અથવા ૧૧ બોલ બાકી રાખીને જીતી ન શકે તો પછી ચેન્નાઈ સેમિફાઈનલમાં પહોંચશે.
જો આ મેચમાં વરસાદ વિઘ્ન બનશે તો પછી ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચી જશે. બેંગ્લોરમાં આજે વરસાદની શક્યતા રહેલી છે. જો વરસાદ પડે છે તો ચેન્નાઈ ૧૫ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી જશે જ્યારે બેંગ્લોર ૧૩ પોઈન્ટ સાથે છઠ્ઠા અથવા સાતમા નંબરે રહેશે.