આજે ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે અન્ડર-૧૯ વર્લ્ડકપનો ફાઈનલ
બપોરે ૧:૩૦ વાગ્યાથી ટક્કર શરૂ: છઠ્ઠી વખત ટ્રોફી જીતવા ટીમ ઈન્ડિયા ઉતરશે મેદાને
ભારતના ૧૮ અને ૧૯ વર્ષના યુવા ક્રિકેટરો આજે ઓસ્ટે્રલિયા વિરુદ્ધ ફાઈનલ જીતીને રેકોર્ડ છઠ્ઠી આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે કોઈ જ કસર છોડશે નહીં. પાછલા વર્ષે ૧૯ નવેમ્બરે ઓસ્ટે્રલિયન ટીમે રોહિત શર્માની આગેવાનીવાળી સીનિયર ટીમને વૈશ્વિક મંચ પર રીતસરની રડાવી દીધી હતી જેના કારણે ઉદય સહારનની આગેવાનીવાળી ટીમનું ઓસ્ટે્રલિયાની અન્ડર-૧૯ ટીમને હરાવીને ટ્રોફી જીતવું ઘણું જ સુખદ બની રહેશે. આ મુકાબલાનો પ્રારંભ બપોરે ૧:૩૦ વાગ્યાથી થશે.
કેપ્ટને તાજેતરમાં જ કહ્યું હતું કે ફાઈનલમાં અમારી સામે ઓસ્ટે્રલિયા હોય કે પાકિસ્તાન હોય અમને કોઈ જ ફરક પડતો નથી. અમે વિરોધી ટીમ નહીં બલ્કે અમારી રમત ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ. અમે કોઈ પ્રકારનો બદલો લેવાનો વિચાર નથી કરતા.
ઓસ્ટે્રલિયાના કેપ્ટન હ્યુ વેબગેન, ઓપનિંગ બેટર હૈરી ડીક્સન, ફાસ્ટ બોલર ટૉમ સ્ટે્રકર અને કૈલમ વિડલરે આ વર્લ્ડકપમાં ઉમદા પ્રદર્શન કર્યું છે જે ભારત માટે ખતરો બની શકે છે. ભારતની અન્ડર-૧૯ ટીમે ૨૦૧૨ અને ૨૦૧૮ના ફાઈનલમાં ઓસ્ટે્રલિયાને હરાવ્યું હોવાથી આ વર્લ્ડકપ જીતવા માટે પણ ભારત જ પ્રબળ દાવેદાર છે. ભારતીય ટીમ હંમેશા અન્ડર-૧૯ વર્લ્ડકપમાં પાવરહાઉસ રહી છે એટલા માટે જ આ ટૂર્નામેન્ટમાં નવમી વખત ફાઈનલ સુધીની સફર ખેડી છે.