આજથી વર્લ્ડકપમાં સુપર-૮ રાઉન્ડ
યુએસએ-આફ્રિકા વચ્ચે ટક્કર: કાલે ભારત-અફઘાન, ઈંગ્લેન્ડ-વિન્ડિઝ આમને-સામને
ટી-૨૦ વર્લ્ડકપનો લીગ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે અને આજથી સુપર-૮ રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. આ માટે આઠ ટીમો ક્વોલિફાય થઈ ચૂકી છે જેમના વચ્ચે ત્રણ-ત્રણ મુકાબલા રમાશે જે બાદ સેમિફાઈનલનું ચિત્ર સ્પષ્ટ થશે. આજે સુપર-૮માં એક જ દિવસમાં બે મુકાબલામાં રમાશે જેમાં યુએસએની ટક્કર સાઉથ આફ્રિકા સામે તો ઈંગ્લેન્ડની ટક્કર વેસ્ટ ઈન્ડિઝ સામે થશે.
વર્લ્ડકપમાં પહેલી જ વખત ઉતરીને સુપર-૮ માટે ક્વોલિફાય થયેલી યુએસએ આજે સાઉથ આફ્રિકા સામે રાત્રે ૮ વાગ્યાથી એન્ટીગુઆના નોર્થ સાઉથ ક્રિકેટ સ્ટેડિયમ પર ટક્કર લેશે. યુએસએ ટીમની બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ કાબિલેદાદ રહી હોવાથી આફ્રિકા માટે કપરાં ચઢાણ રહેશે. લીગ રાઉન્ડમાં આફ્રિકા નેપાળ સહિતની ટીમ સામે છેલ્લે છેલ્લે જીતી હોવાથી તેના માટે આ મેચમાં નાની અમથી ભૂલ ભારે પડી શકે છે.
જ્યારે આવતીકાલે સુપર-૮માં સવારે ૬ વાગ્યે ઈંગ્લેન્ડ-વિન્ડિઝ વચ્ચે મુકાબલો સેન્ટ લુસિયામાં થશે તો રાત્રે ૮ વાગ્યાથી બારબાડોસમાં ભારત-અફઘાનિસ્તાન રમશે.
એકંદરે ક્રિકેટ રસિકો જેની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સુપર-૮ રાઉન્ડ આજથી શરૂ થઈ રહ્યો હોય ઉત્સાહ પણ ચરમસીમાએ છે.