આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ: સ્પીનરો `કાળ’ બનીને ત્રાટકશે
વરસાદની આગાહી વચ્ચે સ્લો ટર્નિંગ વિકેટ તૈયાર કરાઈ
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીના અંતિમ મુકાબલાની શરૂઆત થશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં ૩-૧થી આગળ છે અને પાંચમી ટેસ્ટ જીતીને ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. આ મુકાબલાનો પ્રારંભ સવારે ૯:૩૦ વાગ્યાથી થશે. આ આખીયે શ્રેણીમાં પીચને લઈ ઘણી જ વાતો થઈ છે. ઈંગ્લેન્ડે હૈદરાબાદમાં પહેલી ટેસ્ટ જીતી હતી તો ત્યારે સ્પીન પીચને લઈને ભારત ઉપર કટાક્ષ થયા હતા.
આ પછી ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરતા વધુ સ્પીન ન હોય તેવી પીચ પર પણ ઈંગ્લેન્ડને પરાજય આપ્યો અને ૩-૧થી શ્રેણીમાં અજેય લીડ મેળવી છે. બીજી બાજુ ધર્મશાલામાં ફાસ્ટ બોલરોને મદદ મળે છે. જો કે અહેવાલો પ્રમાણે આ મેચ માટે ટર્નિંગ વિકેટ તૈયાર કરવામાં આવી છે. ઈંગ્લીશ બેટરોએ વધુ એકવાર ધીમી ટર્નિંગ વિકેટનો સામનો કરવો પડી શકે છે.
પાંચમી ટેસ્ટમાં ફરી એક વખત સ્પીનરોની બોલબાલા જોવા મળી શકે છે. ધર્મશાલામાં અત્યારે હવામાન પણ ખરાબ છે અને મેચ દરમિયાન વરસાદ પડી શકે છે. આ સમસ્યાથી બચવા માટે પીચને ધીમી ટર્નિંગ બનાવવામાં આવી શકે છે. એટલું જ નહીં કમોસમી વરસાદને કારણે પીચ ક્યુરેટરને પીચ પર વધુ કામ કરવાની તક મળી નથી.
ધર્મશાલામાં અત્યાર સુધી એક જ ટેસ્ટ મેચ રમાઈ છે. વર્ષ ૨૦૧૭માં ભારત-ઓસ્ટે્રલિયા વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી હતી.
ધર્મશાલામાં ભારતના ૮ ખેલાડીનું થશે ડેબ્યુ !
આજથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ ધર્મશાલામાં રમાવાની છે જ્યાં ભારતના ૮ ખેલાડીઓનું ડેબ્યુ થવા જઈ રહ્યું છે. અગાઉ ૨૦૧૭માં અહીં ટેસ્ટ મેચ રમાઈ હતી જેમાં અત્યારની ટીમના ત્રણ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ હતા. આ ત્રણ ખેલાડીમાં અશ્વિન, જાડેજા અને કુલદીપ યાદવ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ ત્રણેયનું રમવું લગભગ નિશ્ચિત છે પરંતુ આઠ ખેલાડી એવા છે જે અગાઉ ક્યારેય ધર્મશાલામાં ટેસ્ટ મેચ રમ્યા નથી જેમાં રોહિત, બુમરાહ, જયસ્વાલ, શુભમન, સરફરાઝ, રજત પાટીદાર, આકાશદીપ અને ધ્રુવ જુરેલનો સમાવેશ થાય છે. આકાશદીપની જગ્યાએ કદાચ સીરાજને તક મળે તો તે પણ ડેબ્યુ જ કરશે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર
બેન સ્ટોક્સ (કેપ્ટન), જૈક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રુટ, જોની બેરિસ્ટો, બેન ફોક્સ, ટૉમ હાર્ટલી, માર્ક વૂડ, જેમ્સ એન્ડરસન, શોયેબ બશીર