આજથી ચાર દિવસ પોલીસ લાઠી’ નહીંહૉકી’ પકડશે !
રાજકોટમાં ડીજીપી હૉકી ટૂર્નામેન્ટનો પ્રારંભ: પુરુષની ૯ અને મહિલાઓની ૪ ટીમ લેશે ભાગ
રાજકોટ પોલીસ દ્વારા આજથી ચાર દિવસ સુધી શહેરના મેજર ધ્યાનચંદ હૉકી ગ્રાઉન્ડ-રેસકોર્સ ખાતે ડીજીપી કપ હોકી ટૂર્નામેન્ટ-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આખા ગુજરાતની પોલીસ ટીમ ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો ૧૧ ઑક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટમાં પુરુષોની ૯ અને મહિલાઓની ૪ ટીમોએ ભાગ લીધો છે. આ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન-૧ સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, ડીસીપી (ક્રાઈમ) ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી (ટ્રાફિક) પૂજા યાદવ સહિતના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતાં પોલીસ કમિશનરે તમામ ટીમ સાથે મુલાકાત કરી તેમને ઉમદા પ્રદર્શન કરવા શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસમાં શારીરિક ફિટનેસ અને શિસ્ત તેમજ ટીમ સ્પિરિટની ભાવના કેળવાય તે માટે પરેડની સાથે સાથે વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ડીજીપી કપ હોકી ટૂર્નામેન્ટનું આયોજન રાજકોટના ભાગે આવ્યું છે જેના ભાગરૂપે આ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.