વગર વરસાદે રાજકોટને બે મહિના સુધી ચાલે તેટલું પાણી ડેમમાં ઠાલવવાનું શરૂ
આજી ડેમમાં ૪૦૦, ન્યારી-૧ ડેમમાં ૩૫૦ એમસીએફટી પાણી નર્મદા ડેમથી ઠલવાશે
રાજકોટની મેઘરાજા એકદમ નારાજ થઈ ગયા હોય તેવી રીતે મન મુકીને વરસવાનું નામ લઈ રહ્યા ન હોય આ વખતે શહેરે પીવાના પાણી માટે નર્મદા નીર ઉપર જ નિર્ભર રહેવું પડે તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી બાજુ પાણી વિતરણ ડખ્ખે ન ચડી જાય તે માટે મહાપાલિકા દ્વારા સરકાર પાસે નર્મદા નીરની માંગણી કરવામાં આવતાં તાત્કાલિક તેને ગ્રાહ્ય રાખી રાજકોટને બે મહિના સુધી ચાલે તેટલું નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એકંદરે વગર વરસાદે રાજકોટને પીવાના પાણીની તકલીફ ન પડે તે પ્રકારનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા સરકાર પાસે આજી-૧ ડેમ માટે ૪૦૦ એમસીએફટી તેમજ ન્યારી-૧ ડેમ માટે ૩૫૦ એમસીએફટી નર્મદા નીરની માંગણી કરવામાં આવી હતી જે મંજૂર કરીને પાણી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જો રાજકોટમાં વરસાદ સારો પડશે તો નર્મદાનું પાણી લેવાનું બંધ કરવામાં આવશે. અત્યારે ૨૯ ફૂટના આજી-૧ ડેમમાં ૧૯.૩૨ ફૂટ પાણી ઉપલબ્ધ છે. આ જ રીતે ૨૫.૦૯ ફૂટની ઉંડાઈ ધરાવતાં ન્યારી-૧ ડેમમાં ૧૪.૨૭ ફૂટ પાણી ઉપલબ્ધ છે.
બીજી બાજુ નર્મદા નીરનું આગમન થતાં મહાપાલિકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ દ્વારા નીરના વધામણા પણ કરવામાં આવ્યા હતા.
નર્મદા નીર મફત નહીં મળે, માતબર રકમ ચૂકવવી પડશે
સરકાર દ્વારા મહાપાલિકાને નર્મદા નીર તો આપવામાં આવ્યું છે પરંતુ એ નીર મફત નહીં બલ્કે તેનું માતબર ચૂકવણું કરવું પડશે. અત્યારે ઠલવાઈ રહેલા નર્મદા નીરનું ટૂંક સમયમાં મહાપાલિકાને બિલ આપવામાં આવશે જેની ચૂકવણી સમયાંતરે કરવાની રહેશે.