અરરર…’ઈચ્છાધારી’ ડૉક્ટરો દર્દીના રિપોર્ટ સાથે કરે છે છેડછાડ !
દર્દીનું ખીસ્સું સાવ ખાલી થઈ જાય ત્યાં સુધી
રિપોર્ટ હજુ ઠીક નથી આવતો’ કહીને ગોંધી રખાય છે
લેબોરેટરીઓ સાથે સાંઠગાંઠ રચી ડાયાબિટીસ, ઈન્ફેક્શન, બ્લડપ્રેશર સહિતના આંકડામાં કરાતી ગોલમાલ
આવા જ કાંડ ભૂતકાળમાં રાજકોટમાં બની ચૂક્યા છે અને ડૉક્ટરને ભારે પડી ગયું હોવા છતાં હજુ સુધારવાનું નામ નથી લેવાતું
તંત્ર બધું જ જાણે છે છતાં કાર્યવાહી કરવામાં ફેં ફાટી રહ્યાનું ઉઘાડું ચિત્ર
અમદાવાદમાં સર્જાયેલા ખ્યાતિકાંડ બાદ આખા ગુજરાતના તબીબો જાણે કે શંકાના દાયરામાં આવી ગયા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે અત્યારે કોઈ ડૉક્ટર પાસે જાય અને સારવાર કરાવે એટલે દર્દી અને પરિજનના મગજમાં સારવાર કરનાર ડૉક્ટર પર એક વખત તો શંકા કરવામાં આવે જ છે ! જો કે બધાં તબીબ કમાઈ લેવાની લ્હાય સાથે આ ક્ષેત્રમાં કામ નથી કરી રહ્યા હોતાં પરંતુ અનેક તબીબો એવા છે જેમને સામે દર્દી નહીં બલ્કે પૈસા ભરેલી તિજોરી જ દેખાઈ રહી હોય છે અને એ તિજોરી કેવી રીતે ખાલી કરવી તેના જ કીમિયા અખત્યાર કરવામાં રાચતાં હોય છે. આ પ્રકારના એક બાદ એક એપિસોડ ઉજાગર કર્યા બાદ હવે તબીબો દ્વારા આચરવામાં આવતો એક નવો જ કીમિયો સામે આવ્યો છે.
રાજકોટમાં અનેક ઈચ્છાધારી' ડૉક્ટરો એવા છે જે દર્દીના રિપોર્ટ સાથે જાણીજોઈને છેડછાડ કરે છે જેના કારણે તેમની આવકમાં વધારો થઈ શકે !! ઉદાહરણ તરીકે કોઈ દર્દીની ડાયાબિટિસની સારવાર ચાલતી હોય એટલે સ્વાભાવિકપણે તેનો રિપોર્ટ કરાવવો જ પડે. અનેક દર્દીઓ એવા હોય છે જેમને દાખલ કરવામાં આવ્યા હોય છે અને તેમના દરરોજ રિપોર્ટ કરાવવામાં આવે છે.
ડૉક્ટર દ્વારા એક નિશ્ચિત મર્યાદા નક્કી કરાઈ હોય છે એટલે જો એટલું ડાયાબિટીસ આવે એટલે દર્દી હવે ઠીક છે અને રજા મેળવવા યોગ્ય છે તે નિશ્ચિત બની જતું હોય છે. જો કે દર્દી એક વખત દાખલ થાય અને ફટાફટ રજા મળી જાય તો ડૉક્ટર અને હોસ્પિટલની તીજોરી છલકાય કેવી રીતે ? જેથી મફતની આવક મેળવવા માટે તબીબો જ લેબોરેટરી સાથે મળીને દર્દીનો જે રિપોર્ટ હોય છે તેમાં ટેસ્ટના આંકડા સાથે છેડછાડ કરીને તેમાં વધારો કરી નાખતાં હોવાનું સારવાર મેળવનારા અનેક દર્દીઓ પાસેથી જ જાણવા મળ્યું છે. દરેક લેબોરેટરી સોફ્ટવેર આધારિત જ રિપોર્ટ તૈયાર કરતી હોય છે અને અત્યારે શહેરની લગભગ તમામ લેબોરેટરીમાં ચારથી પાંચ પ્રકારના સોફ્ટવેર કાર્યરત છે. જો કે તેમાં આંકડા સાથે ગોલમાલ કરવી એ બહુ સરળ હોવાથી તે
ખેલ’ બરાબરનો ખેલાઈ રહ્યો છે.
રિપોર્ટમાં છેડછાડ કરવાથી દર્દી લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહે છે અને જ્યાં સુધી દાખલ રહે ત્યાં સુધી હોસ્પિટલનું ભાડું, ડૉક્ટરનો ક્નસલ્ટીંગ ચાર્જ ઉપરાંત દૈનિક કરાતાં રિપોર્ટની આવકમાં વધારો થાય છે. એમ લાગે કે દર્દીની આર્થિક સ્થિતિ હવે ખખડવા લાગી છે એટલે તુરંત જ ડૉક્ટર દ્વારા રજા આપવાની અને સાચો રિપોર્ટ જાહેર કરવાનું શરૂ કરી દેવામાં આવે છે પરંતુ જ્યાં સુધી આવક થઈ શકે તેમ લાગે ત્યાં સુધી તમારો રિપોર્ટ અત્યારે બરાબર આવી રહ્યો નથી એટલા માટે હજુ તમારે હોસ્પિટલમાં દાખલ રહેવું પડશે' કહીને દર્દીને ગોંધી રાખે છે.
આ સમયે દર્દી કે તેના પરિજનને ડૉક્ટર ઉપર પૂરો ભરોસો હોવાથી તે રિપોર્ટમાં છેડછાડ કરવામાં આવી છે કે નહીં તેની તપાસ કરી શકતા નથી અને કદાચ તપાસ કરવા ઈચ્છે તો પણ સત્ય સુધી પહોંચી શકતા ન હોવાથી તે વાતનો ફાયદો ભરપૂર ઉઠાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ રાજકોટની એક હોસ્પિટલ દ્વારા આ પ્રકારે
ખેલ’ ખેલવામાં આવ્યો હતો જેના કારણે સરકારે એ હોસ્પિટલ તેમજ તેના ડૉક્ટર સામે આકરી કાર્યવાહી કરતા તબીબી ક્ષેત્ર સ્તબ્ધ થઈ ગયું હતું. આટઆટલું થયા છતાં પણ હજુ અમુક તબીબો અને હોસ્પિટલો સુધરવાનું નામ લઈ રહ્યા નથી અને દર્દીઓને બેફામપણે ખંખેરી રહ્યા છે.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કુંભકર્ણની નિદ્રામાં: અનેક મેડિકલ સ્ટોર પાસે ફાર્માસિસ્ટનું લાયસન્સ જ નથી !
રાજકોટમાં અત્યારે ૧૨૦૦થી વધુ મેડિકલ સ્ટોર કાર્યરત છે જ્યાંથી દરરોજ લાખો રૂપિયાની દવાનું વેચાણ થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે શહેરના અનેક મેડિકલ સ્ટોર પાસે ફાર્માસિસ્ટનું લાયસન્સ ન હોવા છતાં તેને દવાનું વેચાણ કરી રહ્યા છે. આ કારસ્તાન ન ચાલે તે જોવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની છે પરંતુ તે તો અત્યારે કુંભકર્ણની નિદ્રામાં ઘોરતું હોવાને કારણે મેડિકલ સ્ટોરને મોકળું મેદાન મળી ગયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે જાગૃત નાગરિકો દ્વારા મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, આરોગ્ય કમિશનર સહિતનાને પત્ર લખવામાં આવ્યો છે આમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન રહ્યાનું સ્પષ્ટ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નિયમિત રીતે મેડિકલ સ્ટોરનું ચેકિંગ કરી ત્યાં કેવા પ્રકારની દવા વેચાઈ રહી છે. મેડિકલ સ્ટોર પાસે લાયસન્સ છે કે નહીં, કોઈ દવા ડુપ્લીકેટ તો નથી ને ? આ સહિતના મુદ્દે તપાસ કરવાની હોય છે પરંતુ અહીંના અધિકારીઓને તો મુળભુત કામગીરી કરવાની ફુરસદ જ નથી અને એ.સી.ચેમ્બરમાં બેસીને આરામ કરવામાંથી જ ઉંચા આવતાં ન હોવાનું જાગૃત નાગરિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું. જો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડુપ્લીકેટ દવા, લાયસન્સ વગર દવાનું વેચાણ કરતાં ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવામાં આવે તો પ્રજાને તમ્મર ચડી જાય તેવા કારસ્તાન ખુલવાની પૂરેપૂરી શક્યતા છે પરંતુ આવું થઈ રહ્યું નથી તે રાજકોટની કમનસીબી ગણાશે !