કેમ ભણશે બાળકો ? ભરતી કેલેન્ડરમાં ગ્રાન્ટેડ સ્કૂલોને ‘બાકાત’રખાઈ
શિક્ષણ વિભાગે 10 વર્ષમાં વર્ગ 1,2 અને 3ની 94,000 જગ્યાઓ પર ભરતી જાહેર કરી: ગ્રાન્ટેડ સ્કૂલોમાં ભરતીનો ઉલ્લેખ ન થતાં શાળા સંચાલક મંડળમાં નારાજગી:લેખિત ફરિયાદ
શિક્ષણ વિભાગના ભરતી કેલેન્ડરમાં 94,000 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરવાની છે ત્યારે ગ્રાન્ટેડ સ્કૂલોને ભરતી માંથી બાકાત રાખતા શાળા સંચાલક મંડળમાં નારાજગી ફેલાય છે. ગુજરાત શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલએ શિક્ષણ વિભાગને આ બાબતે ધ્યાન દોરીને લેખિત ફરિયાદ કરી છે.
શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરાયું હતું જેમાં આગામી 10 વર્ષમાં 94000 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરાઈ છે, ત્યારે આ પ્રક્રિયામાં ગ્રાન્ટેટેડ સ્કૂલ નો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. ગ્રાન્ટેડ સ્કૂલો ભરતી વગર કેમ ચલાવવી તે અંગે સંચાલક મંડળ સામે પણ સવાલો સર્જાયા છે.
પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2011 થી સંચાલક મંડળ પાસેથી ભરતી લીધી છે. જો આ રીતે સરકાર પણ શિક્ષકોની ભરતી ન કરે તો આ પરિસ્થિતિમાં બાળકો કેવી રીતે ભણી શકે..? તેવી રજૂઆત શિક્ષણ વિભાગને શાળા સંચાલક મંડળે કરી છે. તાજેતરમાં જાહેર થયેલા ભરતી કેલેન્ડરમાં પ્રાથમિક શિક્ષણ, ટેકનિકલ ક્ષેત્ર તેમજ પ્રિન્સિપાલ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત વર્ગ એક બે અને ત્રણની જગ્યાઓ પર દસ વરસમાં કુલ 94,000 ભરતી પ્રક્રિયા કરાશે.