ડૉક્ટરો-મેડિકલ સ્ટોર સામે ઢીલી નીતિ કેમ રાખી ? બે અધિકારી સામે તપાસ
રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર આર.એન.રામ અને ડ્રગ્સ ઈન્સ્પેક્ટર પી.બી.બલ્લર સામે કાર્યવાહી કરવા આદેશ
શું કાર્યવાહી કરાઈ તેનો રિપોર્ટ પણ મોકલવા તાકિદ
પેટા: વોઈસ ઓફ ડે'ની ઝુંબેશ અંતર્ગત દરેક અહેવાલને ટાંકીને મુખ્યમંત્રી સુધી કરાઈ હતી ફરિયાદ
સફેદ કપડાં પાછળ ચાલતાં કાળા ખેલનો પર્દાફાશ ઝુંબેશરૂપે
વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવ્યા બાદ તેની નોંધ રાજકોટમાં જ નહીં બલ્કે ગાંધીનગર સુધી લેવામાં આવી હતી. બીજી બાજુ રાજકોટમાં મેડિકલ માફિયાઓને બેલગામ બનતાં અટકાવાનું કામ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનું છે પરંતુ આ વિભાગ જાણે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યો હોય તેવી રીતે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી ન હોય આખરે વોઈસ ઓફ ડે'ને મેડિકલ માફિયાઓ વિરુદ્ધ છેડેલી ઝુંબેશના દરેક અહેવાલ ટાંકીને છેક મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવતાં આખરે ગાંધીનગર સ્તરેથી રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના બે અધિકારી સામે તપાસ કરવા આદેશ છૂટ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉનાના દેલવાડા ગામના રસિકભાઈ ચાવડા નામના વ્યક્તિએ
વોઈસ ઓફ ડે’ના દરેક અહેવાલને ટાંકીને રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના મદદનીશ કમિશનર આર.એન.રામ અને ડ્રગ્સ ઈન્સપેક્ટર પી.બી.બલ્લર સાવ નિષ્ક્રિય હોવાની વિસ્તૃત ફરિયાદ મુખ્યમંત્રીને કરવામાં આવ્યા બાદ અધિક કલેક્ટર દ્વારા આ ફરિયાદને ગંભીરતાથી લઈને બન્ને અધિકારી નિવૃત્ત થાય તે પહેલાં તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આ બન્ને સામે નિયમ પ્રમાણે શું કાર્યવાહી કરવામાં આવી તેની વિગતો પણ ગાંધીનગર તેમજ સંબંધિતોને મોકલવા તાકિદ કરાઈ હતી.
અરજદાર રસિકભાઈ ચાવડા દ્વારા કરાયેલી ફરિયાદમાં જણાવાયું હતું કે આ બન્ને અધિકારીઓ સામે અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ ત્યારે તેમને છાવરવામાં આવ્યા હતા. મેડિકલ માફિયાઓ બેફામ ન બને તે જોવાની જવાબદારી ડ્રગ્સ વિભાગ-રાજકોટની છે પરંતુ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી નથી એટલા માટે તેમની મેડિકલ માફિયાઓ સાથે મીલીભગત હોવાની શક્યતા પણ દૃઢ બને છે. હવે જ્યારે આ બન્ને અધિકારી સામે તપાસ કરવાનો આદેશ છૂટ્યો છે ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રસપ્રદ બની રહેશે.