કેમ મનાવવામાં આવે છે હોળીનો તહેવાર?…વાંચો
હિન્દુ ધર્મમાં જુદા-જુદા ગ્રંથોમાં પ્રચલિત છે અલગ-અલગ દંત કથા
ધૂળેટીમાં એકબીજાને લગાવવામાં આવતા રંગોનું પણ છે અનોખું મહત્ત્વ
દેશમાં જુદી-જુદી પરંપરા પ્રમાણે ઉજવાય છે હોળી-ધૂળેટીનો તહેવાર
હોળી-ધૂળેટીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે સમગ્ર દેશમાં ખૂબ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. રંગોના તહેવાર અનેક રૂપરંગમાં ઉજવવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મમાં હોળીનું પૌરાણિક મહત્વ છે. હોળીને લઈને ભારતભરમાં અનેક દંતકથાઓ પણ પ્રચલિત છે. દેશમાં અલગ-અલગ પ્રદેશ મુજબ જુદી-જુદી માન્યતા અને કથાઓ પ્રચલિત છે.
રવિવારે એટલે કે આજે હોળી છે અને સોમવારે ધૂળેટીનો તહેવાર છે. આ તહેવાર રાજકોટ સહિત દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ત્યારે હોળીને લઈને કેટલીક દંતકથાઓ દેશમાં પ્રચલિત છે. જેમાં હોળીની સૌથી પ્રચલિત કથા ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશ્યપુુુની છે. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપુુ રાક્ષસ હતા. જેઓ પોતાને જ ભગવાન માનતા હતા અને એવું ઇચ્છતા હતા સૌ લોકો તેમની પુજા કરે અને ભગવાન માને. પરંતુ તેમના દીકરા પ્રહલાદ તેમને ભગવાન માનતા ન હતા અને પ્રહલાદ ભગવાન વિષ્ણુની પુજા કરવા લાગ્યા. આ જોઈને હિરણ્યકશ્યપુ ગુસ્સે થઈ ગયા અને અનેક ભગવાન વિષ્ણુની ભક્તિ ન કરવા કહ્યું. અનેક પ્રયાસો બાદ પણ પ્રહલાદ ન સમજ્યા ત્યારે તેમના પિતા હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારી નાખવાની યુક્તિ વિચારી.
હિરણ્યકશ્યપુએ પ્રહલાદને મારી નાખવા માટે તેમના સેવકોને આદેશ આપ્યો અને સેવકોએ શસ્ત્રો વડે પ્રહલાદને મારી નાખવાનો પ્રયાસ કર્યો. એકવાર તો હાથી નીચે પણ કચડવાનો પ્રયાસ કર્યો તેમ છતાં પ્રહલાદને કશું થયું નહી. જે જોઈને અકળાયેલા હિરણ્યકશ્યપુએ પોતાની બહેન હોલિકાને પ્રહલાદને મારી નાખવા માટે કહ્યું. હોલિકએ તપ કરીને વરદાન મેળવ્યું હતું કે, આગ હોલિકાને સળગાવી શકે નહી. ભાઈના કહેવાય પર હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં બેસી ગઈ. પરંતુ ભગવાન વિષ્ણુએ પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને પ્રહલાદ આગમાંથી રમતા-રમતા બહાર નીકળ્યો અને હોલિકા આગમાં બળી ગઈ. ત્યારથી હોળીનો તહેવાર મનાવવામાં આવે છે.
અન્ય એક ધાર્મિક કથા પ્રમાણે ભગવાન શિવજી તપસ્યામાં લીન હતા. આવા સમયે ઇન્દ્ર અને અન્ય દેવતાઓએ કામદેવને શિવજીની તપસ્યા ભંગ કરવા માટે મોકલ્યા. કામદેવે શિવજીની તપસ્યા ભંગ કરવા શિવજીને ફૂલનું તીર માર્યું. જેના કારણે મહાદેવની તપસ્યા ભંગ થઈ અને શિવજીએ ક્રોધમાં આવીને પોતાનું ત્રીજું નેત્ર નાખ્યું અને કામદેવને બાળીને રકહી દીધા. બાદમાં શિવજીની તપસ્યા ભંગ થતાં બધા દેવતાઓ શિવજી પાસે પહોંચ્યા અને માતા પાર્વતી સાથે લગ્ન કરવા સમજાવ્યા. કામદેવની પત્ની રતીએ ભોળાનાથને પોતાના પતિને સજીવન કરવા માટે પ્રાથના કરી અને શિવજીએ કામદેવને પુનર્જીવિત કર્યા. ફાગણ પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હોવાથી દેવી-દેવતાઓએ રંગોનો વરસાદ કરી ઉત્સાહભેર ઉજવણી કરી અને ત્યારથી આ દિવસને હોળીનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આમ આ ઉત્સવ આસુરી શક્તિ પર દિવ્ય શક્તિના વિજય સ્વરૂપે મનાવવામાં આવે છે.
કેમ શિયાળા-ઉનાળાની ઋતુ વચ્ચે મનાવવામાં આવે છે હોળી?
હોળીનો તહેવાર શિયાળા અને ઉનાળાની ઋતુ વચ્ચે મનાવવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં અનેક પ્રકારના બેક્ટેરિયા અને વિષાણુઓ જન્મ લેતા હોય છે. હોળી પ્રગટાવવા માટે લોકો છાણાં, ઘી, કપૂર જેવી સામગ્રીનો ઉપયોગ કરતાં હોય છે. જેના કારણે વાતાવરણની તમામ અશુદ્ધિઓ હોળીની જ્વાળાથી નાશ પામે છે. હોળીની પ્રદક્ષિણા કરવાની પણ એક પ્રથા છે. પ્રદક્ષિણા કરવાથી શરીરમાં રહેલી અશુદ્ધિઓ નાશ પામે છે. તેવું માનવામાં આવે છે.
પ્રાકૃતિક અને ઓર્ગેનિક રંગોથી ઉજવાતી ધૂળેટીનું શું છે મહત્ત્વ?
હોળી બાદ ધૂળેટીનો તહેવાર આવે છે. જે પહેલાના સમયમાં કેસુડાના ફૂલ, પાણી, મહેંદી, કેસર, ચંદન તેમજ હળદરના પાવડર જેવી વસ્તુઓનો ઉપયોગ કરી રમવામાં આવતી હતી. જે આપણાં શરીર, ચામડી, આંખો માટે સારા હોય છે. આપણાં મનમાં ઉત્પન થતાં ઉન્માદને પણ શાંત કરે છે.
દેશના જુદા-જુદા સ્થળોએ ઉજવાતો હોળી-ધૂળેટીનો તહેવાર
દેશમાં હોળીની અલગ-અલગ પરંપરા અને પ્રથાઓ છે. અમુક સ્થળોએ ધામધૂમ પૂર્વક રંગોથી હોળી મનાવવામાં આવે છે. આવા કેટલાક સ્થળો વિષે અમે તમને માહિતી આપીશું કે જ્યાં હોળી અલગ રીતે મનાવવામાં આવે છે.
મથુરા-વૃંદાવનની લઠ્ઠમાર હોળી
દેશમાં સહુથી પ્રખ્યાત હોળી શ્રી કૃષ્ણની નગરી મથુરા-વૃંદાવનમાં મનાવવામાં આવે છે. અહી મથુરાના દ્વારકાધીશ મંદિર અને વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં લઠ્ઠમાર હોળીની પરંપરા છે. જેમાં મહિલાઓ ડંડા કે લાકડી વડે પુરુષોને મારે છે અને રંગ લગાવે છે.
હમ્પીની હોળી
કર્ણાટકના હમ્પી શહેરમાં પણ હોળીનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે. હમ્પીની ગલીઓમાં ઢોલ-નગારા સાથે લોકો જુલૂસ કાઢી નાચતા-ગાતા નીકળે છે અને રંગોથી રમ્યા બાદ અહીની તુંગભદ્રા નદી અને અન્ય નદીઓમાં સ્નાન કરે છે. હમપીની હોળી જોવા માટે જુદા-જુદા શહેરોમાંથી પણ લોકો આવે છે.
કેરળની હોળી
કેરળમાં હોળી રંગોથી રમવામાં આવતી નથી. અહી હોલિકા દહન થાય છે અને પ્રાકૃતિક રીતે હોળી મનાવવામાં આવે છે. મહત્વનું છે કે, કેરળમાં હોળી મંજુલ અને ઉકકુલીના નામથી મનાવવામાં આવે છે.
બરસાનાની હોળી
બરસાનામાં છડીમાર હોળી રમાય છે. મહિલાઓ પ્રતીકાત્મક રીતે પુરુષોને લાકડીથી મારે છે. જ્યારે પુરુષો ઢાલથી પોતાની રક્ષા કરે છે. જ્યારે કેટલાક દિવસો પહેલા લડ્ડુમાર હોળી પણ રમવામાં આવે છે. જેમાં મંદિરોમાં પંડિત લાડવાનો ભોગ ધરાવે છે બાદમાં ભક્તો પર લાડવા ફેંકાય છે.