તમે ભૂખ્યા રહો એ અમે કેમ જોઈ શકીયે ? ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારતી પોલીસ
અમદાવાદમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડતાં વટવા પોલીસે શરૂ કર્યું રાહતરસોડું: રોજનું કમાઈને રોજનું ખાતાં ગરીબો સુધી પહોંચાડ્યું સ્વાદિષ્ટ ભોજન
અમદાવાદમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. આ વરસાદની સૌથી વધુ માઠી અસર રોજનું કમાઈને રોજનું ખાતાં લોકો ઉપર પડી રહી છે કેમ કે વરસાદને કારણે તેમના ઘરનો ચૂલો પ્રગટી શક્યો નથી. આવો જ એક વિસ્તાર વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે જ્યાં એસ.એલ.એમ. નામની ચાલીમાં રોજનું કમાઈને રોજનું ખાતાં લોકો રહે છે. ભારે વરસાદને કારણે તેમની હાલત કફોડી થઈ જતાં પોલીસ દ્વારા તાત્કાલિક રાહત રસોડું કરીને સૌને સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવ્યું હતું.
આ ચાલીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હોવાથી ત્યાંના લોકો ખાધાંપીધાં વગર હેરાન થઈ રહ્યા હોવાનું વટવા પોલીસ મથકના પીઆઈ કુલદીપ ગઢવીના ધ્યાન ઉપર આવ્યું હતું. આ પછી જે-ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક અસરથી પીઆઈ ગઢવી, પીએસઆઈ એ.બી.ગંધા, જમાદાર નરેન્દ્રસિંહ, દિલીપસિંહ, કુલદીપસિંહ સહિતના સ્ટાફને સ્થળ પર રવાના કર્યા હતા. પોલીસ દ્વારા રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તાત્કાલિક રાહત રસોડું શરૂ કરી દઈ ચાલીમાં રહેતા ૮૦ જેટલા ગરીબ પરિવારો માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરાયું હતું અને તેના ફૂડ પેકેટ તૈયાર કરીને લોકોને પીરસવામાં આવ્યા હતા.
એકંદરે પોલીસનો આ ચહેરો જોઈને લોકો ખુશખુશાલ થઈ ગયા હતા અને ખોબલે ખોબલે આશીર્વાદ આપ્યા હતા. આ માટે લોકોએ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક, ઈન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજર, ડીસીપી ઝોન-૬ રવિ મોહન સૈનીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.