જ્યાં ત્યાં ખડકાઈ ગયેલી રેંકડીઓ, રોડ પર પથરાયેલા પાથરણા જપ્ત
ખરીદી માટે જાણીતા વિસ્તારોમાં દબાણહટાવ શાખા ત્રાટકી
દિવાળીનો તહેવાર નજીક આવતાંની સાથે જ લોકોમાં ખરીદીને લઈને કરંટ જોવા મળી રહ્યો છે. જો કે શહેરના અનેક વિસ્તારો કે જે ખરીદી માટે જાણીતા છે ત્યાં રેંકડીઓ, પાથરણા સહિતના દબાણો ખડકાઈ ગયા હોવાથી લોકો વાહન લઈને જઈ શકતા ન હોવાની વારંવારની ફરિયાદો બાદ આખરે દબાણ હટાવ શાખાએ ત્રાટકીને સામાન જપ્ત કરવાનું શરૂ કર્યું છે.
દબાણ હટાવ શાખાએ ત્રણ દિવસની અંદર શુક્રવારી બજાર સ્ટાર્સ સોસાયટી, પંચનાથ મંદિર શેરી નં.૧, એકલવ્ય ચોક, ગાયત્રીનગર મેઈન રોડ, જ્યુબેલી માર્કેટ, કાલાવડ રોડ, ભીમનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, બાપા સીતારામ ચોક પાસેથી નડતર રીતે ઉભેલી ૨૨ રેંકડી, સરદારનગર સ્કૂલ ભાવનગર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી, ગોવિંદબાગ શાક માર્કેટ, લાખાજીરાજ રોડ સહિતની બજારોમાંથી ૨૩ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી તો લાખાજીરાજ રોડ, ભીમનગર રોડ, રામનાથપરા, જ્યુબેલી સહિતની બકાલા માર્કેટમાંથી ૩૬ કિલો શાકભાજી કબજે કરવામાં આવ્યું હતું. આવી જ રીતે કૂવાડવા રોડ, ટાગોર રોડ, રામનાથપરા, મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે, ૧૫૦ ફૂટ રિંગરોડ પાસેથી ૧૪ બોર્ડ-બેનર જપ્ત કરાયા હતા.