ખેર-ઠેબાએ ક્યાં ક્યાં ‘કળા’ કરી છે ? બે દિવસના રિમાન્ડ પર લેવાયા
બન્નેએ કોઈના દબાણથી કે આર્થિક લાભ માટે ગેઈમ ઝોનની તપાસ ન્હોતી કરી ? માલિકો-સંચાલકો-મેનેજર સાથે કોઈ સંપર્કમાં હતા કે કેમ ? તે સહિતની વિગતો બહાર લવાશે
ઠેબા-ખેરના રિમાન્ડ પર સ્ટે માંગતી અરજી કોર્ટે ફગાવી: વેલ્ડર મહેશ રાઠોડ જેલહવાલે
ક્રાઈમ બ્રાન્ચે ચીફ ફાયર ઓફિસર ઈલેશ વી.ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબા તેમજ ટીઆરપી ગેઈમ ઝોનમાં વેલ્ડીંગનો કોન્ટ્રાક્ટર રાખનાર મહેશ રાઠોડની ધરપકડ કર્યા બાદ આજે રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. વેલ્ડર મહેશ રાઠોડના રિમાન્ડની જરૂરિયાત ન લાગતાં તેને જેલહવાલે કરવાનો હુકમ કરાયો હતો જ્યારે કોર્ટે ખેર અને ઠેબાના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચે બન્નેના પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જેની સામે કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે રિમાન્ડ પર સ્ટે માંગતી અરજી આરોપીઓ દ્વારા કરાઈ હતી જેને કોર્ટે ફગાવી દીધી હતી.
હવે બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખેર-ઠેબાએ કોઈના દબાણથી કે આર્થિક લાભ મેળવીને ટીઆરપી ગેઈમ ઝોનની તપાસ ન્હોતી કરી ? બન્ને આરોપી વિરુદ્ધ જે સાહેદોના નિવેદન લીધા છે તેની સાથે ક્રોસ પૂછપરછ કરવા, ખેર-ઠેબા ગેઈમ ઝોનના માલિકો, સંચાલકો કે મેનેજર સાથે સંપર્કમાં હતા કે કેમ ? આ બન્નેએ શહેરમા કઈ કઈ જગ્યાએ ફાયર એનઓસી માટે જાતેથી જઈને કાર્યવાહી કરી છે તે સહિતના મુદ્દા ઉજાગર કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા.૪-૯-૨૦૨૩ના ગેઈમ ઝોનમાં આગ લાગી હતી આમ છતાં તેનું ફાયર એનઓસી છે કે નહીં તેની ખરાઈ બન્ને દ્વારા ન કરીને લાપરવાહી દાખવવામાં આવી હતી.
આ કેસમાં સરકાર તરફે પી.પી.તુષાર ગોકાણી, એડિશનલ પી.પી.નીતેશ કથિરીયા તેમજ ભોગ બનનારા વતી એડવોકેટ તરીકે સુરેશ ફળદુ તેમજ અજયસિંહ ચૌહાણ રોકાયેલા હતા.