આમાં બાળકોને ક્યાંથી મળે પાયાનું શિક્ષણ : લાખ્ખોના ખર્ચે બનેલી આંગણવાડીઓને `તાળાં’
એકમાં વર્કર અને હેલ્પર નથી… તો બીજી જગ્યાએ ખાનગી સોસાયટીના લોકોના વિરોધથી
આંગણવાડી ત્રણ વર્ષથી બંધ
રાજકોટમાં મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીમાં લોલમલોલ જ ચાલી રહ્યું છે. શહેરમાં કેટલીક આંગણવાડી લાખ્ખોના રૂપિયાના ખર્ચે બની ગઈ હોવા છતાં બંધ હાલતમાં છે અને અન્ય આંગણવાડીમાં બે-બે, ત્રણ-ત્રણ આંગણવાડીના બાળકો બેસાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આંગણવાડી બંધ હોવાને કારણે તેમજ વાલીઓ બાળકોને દૂર પડતી આંગણવાડી સુધી મોકલી શકતા નથી. ત્યારે તંત્રના પાપે બાળકો પાયાના શિક્ષણથી વંચીત થઈ રહ્યા છે.

શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત આંગણવાડીઓમાં નાના-નાના બાળકોને આપવામાં આવતા આહાર કેટલી હલકી ગુણવત્તાના હોય છે તે અંગે વોઇસ ઓફ ડે દ્વારા પર્દાફાશ કર્યા બાદ આંગણવાડીઓમા ચાલતા લોલમલોલનો વધુ એકવાર પર્દાફાશ થયો છે.
શહેરમાં વોર્ડ નં.૧૩માં આવેલી નહેરુનગર કો.ઓપ. હાઉસિગ સોસાયટીમાં કોમન પ્લોટમાં છેલ્લા ૨ થી ૩ વર્ષ પહેલા લાખ્ખોના રૂપિયાના ખર્ચે આંગણવાડી બનાવવામાં આવી છે.

પરંતુ ત્યાં બાળકોને બેસવા દેવામાં આવતા નથી. જેની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, જે-તે સમયે આ આંગણવાડી બનાવવામાં આવી રહી હતી ત્યારે આ સોસાયટીના રહેવાસીઓએ અહી આંગણવાડીની જરૂર નથી તેવું કહી વાંધો લઈને વિરોધ કર્યો હતો અને આંગણવાડી ન બનાવવા મહાનગર પાલિકામાં અરજીઓ પણ કરી હતી. જો કે મહા નગર પાલિકાએ પોલીસ પ્રોટેક્શન સાથે અહી આંગણવાડી બનાવી દીધી હતી. પરંતુ હજુ સુધી આ આંગણવાડી પાયાનું શિક્ષણ મેળવવા માટે બાળકોને મળી નથી. આ આંગણવાડી શરૂ ન થતાં તેના બાળકોને વોર્ડ નં.૧૩માં આરી સમાજ રોડ પર આવેલી આંગણવાડીમાં બેસવું પડી રહ્યું છે. મહત્વનું છે કે, વોઇસ ઓફ ડેની ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસ એવું જાણવા મળ્યું હતું કે, આ આંગણવાડીમાં એક-બે નહિ પરંતુ ત્રણ-ત્રણ આંગણવાડીના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં પીજીવીસીએલ કોર્પોરેટ ઓફીસ સામે, રાજનગર આવાસ યોજના નજીક એક આંગણવાડી લાખ્ખોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે પરંતુ છેલ્લા ૫ મહિનાથી આ આંગણવાડી બંધ હાલતમાં છે. આ આંગણવાડીમાં બાળકોને રમત-ગમતના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જે અંગે જાણવા મળ્યું હતું કે, આંગણવાડી વર્કર અને હેલ્પર ન હોવાના કારણે તેમજ તેમ શૌચાલયની વ્યવસ્થા ન હોવાને કારણે આ આંગણવાડીના બાળકોને રાજનગર મેઇન રોડ પર વોર્ડ ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડીમાં બાળકોને બેસાડવામાં આવે છે. જેના કારણે કેટલાક બાળકોના વાલીઓ આ આંગણવાડી દૂર પડી જતી હોય બાળકોને અભ્યાસ અર્થે મોકલી શકતા નથી. તંત્રના વાંકે બાળકો પાયાના શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે.
શહેરના વોર્ડ. નં.૧૩માં પુનિતના ટાંકા નજીક વિશ્વકર્મા સોસાયટી પાસે એક આંગણવાડી પતરાવાળા ભાડાના મકાનમાં ચાલી રહી છે. જ્યાં તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે, આ આંગણવાડીની બદલે અન્ય આંગણવાડી પાસ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી બાળકોને આ આંગણવાડીમાં જ બેસાડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા આંગણવાડીઓ માટે જુદી-જુદી યોજનાઓ થકી બાળકો અને શિક્ષણ માટે ખર્ચવામાં આવે છે અને તે માટે સુવિધા ઊભી કરવામાં આવે છે પરંતુ કેટલાક અધિકારીઓની દાનતમાં જ જાણે ખોટ હોય તેમ બાળકો સુધી આ યોજનાઓ પહોંચતી નથી કે યોગ્ય સંચાલનના અભાવે બાળકો તેનાથી વંચિત રહે છે. નેતાઓ પણ વાર-તહેવારે એકાદવાર મુલાકાત કરી ફોટા પડાવી યોગ્ય દરકાર લેતા નથી. શહેરમાં લાખ્ખોના રૂપિયાના ખર્ચે બનેલી આંગણવાડીઓનું યોગ્ય સંચાલન થાય નાના-નાના ભૂલકાઓને પાયાનું પ્રાથમિક શિક્ષણ મળી રહે.