વ્યાજભૂખ્યા વરુનું ૨૦% વ્યાજથી પેટ ન ભરાયું તો ૧૬ વર્ષની સગીરા માંગી લીધી !!
ભીસ્તીવાડના કુખ્યાત શખ્સ અને તેની પત્નીના ત્રાસથી કંટાળી સગીરાની માતાનો પોલીસ કમિશનર કચેરી પાસે જ આપઘાતનો પ્રયાસ
લોકોને વ્યાજખોરીની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા તરેહ-તરેહના લોકદરબાર યોજવામાં આવ્યા, પોલીસે લોકદરબારમાં મળેલી ફરિયાદના આધારે ગુના નોંધ્યા પરંતુ જેવી આ ઝુંબેશ ઠંડી પડી કે વ્યાજભૂખ્યા વરુઓ મેદાને ઉતરી પડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ભીસ્તીવાડના કુખ્યાત શખ્સની પત્ની પાસેથી ૨૦% વ્યાજે એક લાખ રૂપિયા લેનારી લાચાર મહિલાએ પેટે પાટા બાંધીને વ્યાજ સહિતની રકમ ચૂકવી આપ્યા છતાં વ્યાજખોરોનું પેટ ભરાતું ન હોય તેની નજર મહિલાના મકાન ઉપર પડી હતી જે આપવાનો ઈનકાર કરતાં તેની ૧૬ વર્ષની સગીર પુત્રી માંગી લેતાં આખરે કંટાળી જઈને મહિલાએ પોલીસ કમિશનર કચેરી પાસે જ ઝેરના પારખાં કરી લેતાં હાજર પોલીસ સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે કિરણબેન વિજયભાઈ ઝાલા નામની મહિલાએ ભીસ્તીવાડમાં રહેતાં હકુભા ખીયાણી, મીરજાદ ખીયાણી, એજાજ ખીયાણી, અલી અને મીરજાદ ખીયાણી પાસેથી એક લાખ રૂપિયા ૨૦% વ્યાજે લીધા હતા. આ પછી દર મહિને રૂપિયા ૨૦ હજાર તે એજાજની પત્ી મીતલને ચૂકવી રહી હતી. છ મહિના પહેલાં વ્યાજ સહિતની રકમ ચૂકવી દીધી હોવા છતાં કિરણબેનનું મકાન પચાવી પાડવાનો પ્રયત્ન શરૂ થયો હતો. આ પછી હકુભા, મીરજાદ સહિતના શખ્સો ઘેર ધસી આવી મકાન લખી આપવાનું દબાણ કરી રહ્યા હતા અને જો પૈસા ન ચૂકવે તો ૧૬ વર્ષની પુત્રીને તેમની સાથે મોકલી દેવાની હિન માંગણી શરૂ કરી હતી. આ અંગેની પોલીસમાં અરજી કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં આખરે મહિલાએ કમિશનર કચેરીએ દોડી આવી ફિનાઈલ પી લેવાનો પ્રયત્ન કરતાં સારવાર માટે તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.