‘પૌવાપાર્ટી’ની મોજ માણવી છે? ચાલ્યા જાવ રાજકોટના લીમડા ચોકમાં…
- પ્લેટ ખાઉં એક-બે, અરે…ખાવને બે-ત્રણ…!!
- સવારે ૫થી ૧ વાગ્યા સુધી પૌવા-બટેટાની જ્યાફત ઉડાવવા માટે જગ્યા મળી જાય તો `નસીબદાર’ ગણાશો !
વોઈસ ઓફ ડે'ની
ફૂડ સ્પેશ્યલ એક્સપ્રેસ’ દર શનિવારે આમ રાજકોટ માટે જાણીતી પરંતુ સૌથી વધુ ક્યાંથી તે વાનગીનો ઉપાડ' થાય છે તેની પ્રસ્તુતિ કરીને વાંચકોના મોઢામાં પાણી લાવવાનું તેમજ એક વખત વાંચન કર્યા બાદ તે વાનગીને ખાવા માટે તલપાપડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ વખતના એપિસોડમાં ઘર-ઘરમાં બનતી વાનગી લઈને આવ્યું છે. આ વાનગી બીજી કશી નહીં બલ્કે પૌવા-બટેટા છે. સવારે બાળક સ્કૂલે જાય એટલે તેના લંચબોક્સમાં ઘણી વખત પૌવા-બટેટાનો નાસ્તો મમ્મી દ્વારા ભરી આપવામાં આવે છે.

આવી જ રીતે પતિ-પિતા ઑફિસ પર જાય ત્યારે પણ સપ્તાહમાં એકાદ-બે વખત તેમના ટિફિનમાં પૌવા-બટેટા અચૂક ભરી આપવામાં જ આવે છે !! આ તો થઈ રૂટિન પૌવા-બટેટાના નાસ્તાની વાત...હવે મુળ વાત અને આ એપિસોડની મુળ વાત પર આવીએ તો જો કોઈ સ્વાદશોખીનને પૌવાપાર્ટીની મોજ માણવી હોય તો રાજકોટમાં ક્યાં જવું ? તેવો સવાલ ઉઠ્યા વગર રહેતો નથી ત્યારે
વોઈસ ઓફ ડે’ કહે છે કે બીજે ક્યાંય નહીં બલ્કે માત્રને માત્ર લીમડા ચોક સુધી જ જવાનું છે. અહીં સવારે ૫ વાગ્યાથી લઈ બપોરે ૧ વાગ્યા સુધીમાં પૌવા-બટેટાના શોખીનો એટલા માટે આવે છે કે વાત પૂછો નહીં ! જો કોઈ વ્યક્તિને ઉભું રહેવાની જગ્યા મળી જાય તો તેને નસીબદાર' જ ગણવી પડે... લીમડા ચોકમાં રસિકભાઈ ચેવડાવાળાની દુકાન સામે અને જોકર ગાંઠિયાની બાજુમાં છેલ્લા સાત વર્ષથી એક રેંકડી ઉભી રહે છે જેનું સંચાલન ઈરફાન ફારૂકભાઈ ગોપલાણી નામનો યુવક કરી રહ્યો છે. ઈરફાન પહેલાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો બરાબર ત્યારે જ તેને નાસ્તાની રેંકડી શરૂ કરવાનો વિચાર આવ્યો હતો.
આ પછી તેણે સેવખમણી કે જેને પણ બ્રેકફાસ્ટનો
રાજા’ ગણવામાં આવે છે તેનું વેચાણ શરૂ કર્યું હતું જે શરૂ થયા બાદ તેણે ઈન્દોરી પૌવા-બટેટાનું વેચાણ શરૂ કર્યું’ને તે એટલું ધમધોકાર ચાલી ગયું કે એક જ રેંકડી પરથી દરરોજની ૫૦૦થી ૬૦૦ પ્લેટ ચપોચપ વેચાવા લાગી. ખુદ ઈરફાનને આ વાત માનવામાં આવી રહી નથી કે તેણે બનાવેલા પૌવા-બટેટા આટલા હિટ' જશે ! આ અંગે ઈરફાન
વોઈસ ઓફ ડે’ને જણાવે છે કે તે મોડીરાત્રે ૩ વાગ્યે જાગીને પૌવા-બટેટા તૈયાર કરવાનું શરૂ કરી દે છે. આ કામમાં તેને પત્ની પણ મદદરૂપ થાય છે. બે કલાક સુધીમાં બધું જ તૈયાર કરીને પાંચ વાગ્યે લીમડા ચોકમાં આવીને પૌવા-બટેટા સહિતની વાનગીનું વેચાણ શરૂ કરી દે છે જે બપોરે ૧ વાગ્યા સુધી ચાલે છે. જો કે આ ૯ કલાક દરમિયાન તેને ન તો પાણી પીવાનો કે ન તો બીજી કશી જ પ્રવૃત્તિ કરવાનો સમય નથી હોતો ! આટલા સમય સુધી તે એક પછી એક પ્લેટ તૈયાર કરીને પીરસી રહ્યો હોય છે. હવે આટલું વાંચ્યા પછી તમે અવશ્ય એક વખત આ રેંકડીની મુલાકાતે જશો જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી…! નથી ને ?

પૌવા-બટેટાની સાથે ખાંડવી-ઈડલીનો પણ એટલો જ `ઉપાડ’
વહેલી સવારથી શરૂ થતી પૌવાપાર્ટી માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે એકાદ પ્લેટ પૌવા-બટેટાની ઝાપટ્યા બાદ બીજી પ્લેટ તરીકે સેવખમણી, ખમણ, ખાંડવી, ઈડલી સહિતની વાનગી ખાવાનું પસંદ કરે છે મતલબ કે એક પ્લેટથી કોઈને જ ધરો થતો નથી. બહુ જૂજ લોકો એવા હશે કે જેઓ માત્ર પૌવા-બટેટાની એક પ્લેટ ખાઈને સંતોષ માની લેતા હશે !
રોજ એક જ રેંકડી પરથી ૫૦૦થી વધુ લોકો ઝાપટી જાય છે પૌવાની પ્લેટ
પૌવા-બટેટા મુળ ઈન્દોરની વાનગી, વર્ષોથી રાજકોટ માટે બની ગઈ `પોતાની’
પૌવા-બટેટા આમ તો મુળ ઈન્દોરની વાનગી છે કેમ કે ઈન્દોરમાં પૌવા-બટેટા એકદમ હટ કે બને છે અને ત્યાં તે ખૂબ જ ખવાઈ પણ રહ્યા છે. જો કે મુળ ઈન્દોરની ભલે હોય પરંતુ રાજકોટ માટે વર્ષોથી પૌવા-બટેટાની વાનગી પોતાની બની ગઈ છે અને જાણે કે આ વાનગીનો આવિષ્કાર જાણે કે રાજકોટમાં જ થયો હોય તેવી રીતે અત્યારે ઘર-ઘરમાં આ વાનગી બની રહી છે.
અમદાવાદના ગજાનંદ પૌવા'નો ટેસ્ટ પણ હવે રાજકોટમાં...
રાજકોટથી કોઈ અમદાવાદ જાય એટલે ઘણાખરા લોકો ગજાનંદ પૌવાનો ટેસ્ટ માણવાનું પસંદ કરતા હોય છે ત્યારે આ ટેસ્ટ લીધા બાદ
કાશ, આવા પૌવા-બટેટા રાજકોટમાં પણ મળે તો કેવું સારું’ તેવું મનમાં ને મનમાં બોલતા હોય છે ત્યારે હવે તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય તેવી રીતે ગજાનંદ પૌવાનો ટેસ્ટ હવે રાજકોટના કોટેચા ચોક સહિતના ચાર અલગ-અલગ વિસ્તારોમાં મળવા લાગ્યો છે.
નોકરી કરતા યુવકે સેવખમણીની રેંકડી શરૂ કરી’ને પછી પૌવા-બટેટાનું વેચાણ શરૂ કરતાં જ ધમધોકાર ચાલી ગયું…
આખું રાજકોટ રોજ ૧૫૦૦ પ્લેટ ઝાપટી જાય છે !!
રાજકોટમાં અત્યારે અલગ-અલગ વિસ્તારોમાં પૌવા-બટેટાનું વેચાણ કરતી ૫૦ જેટલી રેંકડી-દુકાનો આવેલી છે જ્યાંથી રોજ ૧૫૦૦ જેટલી પ્લેટ સ્વાદશોખીનો ઝાપટી જતા હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. કદાચ આ આંકડો વધુ પણ હોઈ શકે છે પરંતુ ઓછો તો નહીં જ હોય તે વાત નક્કી છે.