ઘંટેશ્વરમાં ગામતળની જમીન ટ્રસ્ટને ફાળવી દેવાતા ગ્રામજનોનો વિરોધ
વર્ષ 1998માં ગામતળ માટે નીમ કરેલી જમીનમાંથી 3200 વાર જગ્યા ટ્રસ્ટને ફાળવી દેવાઈ
રાજકોટ : રાજકોટ શહેરમાં સમાવિષ્ઠ ઘંટેશ્વર ગામમાં વસવાટ કરતા ગરીબ લાભાર્થીઓ માટે વર્ષ 1998માં ગામતળ માટે નીમ કરાયેલ પાંચ એકર જમીનમાંથી 3200 વાર જગ્યા સીંધુંભવન ટ્રસ્ટને ફાળવી દેવામાં આવતા સોમવારે ઘંટેશ્વર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેકટર કચેરીમાં મોટી સંખ્યામાં ઉમટી ટ્રસ્ટને ફાળવવામાં આવેલ જમીનના નિર્ણયનો રોષભેર વિરોધ કરી બીપીએલ યાદીમા સમાવિષ્ઠ થયેલા 60થી 70 લાભાર્થીઓને જમીન ફાળવવા માંગણી દોહરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની ભાગોળે આવેલા અને હાલમાં રાજકોટ મહાનગર પાલિકામાં સમાવેશ પામેલ ઘંટેશ્વર ગામના નાગરિકોએ સોમવારે જિલ્લા કલેકટર કચેરીમાં રજુઆત કરી જણાવ્યું હતું કે, ઘંટેશ્વર ગામે પેઢી દર પેઢીથી વસવાટ કરતા ગરીબ નાગરિકો માટે વર્ષ 1998માં 5 એકર જમીન નીમ કરવામાં આવ્યા બાદ વર્ષો સુધી જમીનનો કબ્જો સોંપવામાં આવ્યો ન હતો અને વર્ષ 2018માં રૂડામાં ગામતળનો નકશો મંજુર કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં ઘંટેશ્વર ગામનો સમાવેશ રાજકોટ મહાનગર પાલિકામાં થતા હાલમાં અંદાજે 60થી 70 નાગરિકો ઘરથાળ માટેના પ્લોટથી વંચિત રહી ગયા છે.
બીજી તરફ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા વર્ષ 2024માં સિંધુભવન ટ્રસ્ટ નામની સંસ્થાને ઘંટેશ્વર ગામતળ માટે મંજુર થયેલી જગ્યામાંથી 3200 વાર જમીન ફાળવી દેવામાં આવી હોય આ જમીન ફાળવણીનો વિરોધ કરી ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સરકાર ગરીબ લાભાર્થીઓને રહેવા માટે જમીન આપતી નથી અને બીજીતરફ સંસ્થાને જમીનની લ્હાણી કરી રહી છે. જેથી આ જમીન ફાળવણી સામે વિરોધ દર્શાવી બાકી રહેતા 60થી 70 બીપીએલ યાદીમાં સમાવિષ્ઠ થયેલા નાગરિકોને મંજુર થયેલા ગામતળમાંથી જમીન ફાળવવા માંગણી કરવામાં આવી હતી.