દાખલો બેસે એવી કાર્યવાહીથી જ વ્યાજખોરી બંધ થશે: કમિશનર
વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ આયોજિત લોકદરબારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
વ્યાજે પૈસા લીધા હોય તો ચૂકવતી વખતે લખાણ કરો, રોકડ કરતાં ચેકથી નાણાં ચૂકવો: માથાભારે શખ્સ પાસેથી લોન લેવાનું જ ટાળો: કોઈ ફસાઈ ગયું હોય તો તુરંત જ પોલીસ ફરિયાદ કરે
૩૧ જૂલાઈ સુધી વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઈવ ચાલશે: લોકો વિનાસંકોચે મારી પાસે આવી શકે છે
કંટાળીને આપઘાત કરતા પહેલાં એક વખત પોલીસ પાસે આવો એવી અમારી વિનંતી-એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા

લોકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે સરકાર દ્વારા દરેક જિલ્લા-શહેરની પોલીસને લોક દરબાર આયોજિત કરવાના આદેશ અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા હેમુ ગઢવી હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પીડિતો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને સંબોધન કરતાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે વ્યાજખોરી અટકાવવા માટે દાખલો બેસે એવી કાર્યવાહીથી જ આ દૂષણ બંધ કરી શકાશે. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું કે કોઈ પાસેથી વ્યાજે પૈસા લીધા હોય તો વ્યાજ તેમજ મુદ્દલની ચૂકવણી કરતી વખતે તમામ પ્રકારનું લખાણ કરો. ખાસ કરીને વ્યાજ કે મુદ્દલની રકમનું ચૂકવણું રોકડ કરતાં ચેકથી કરવાનો જ આગ્રહ રાખો.

કોઈ માથાભારે શખ્સ પાસેથી લોન લેવાનું જ ટાળવું જોઈએ. જો કોઈ ફસાઈ ગયું હોય તો તુરંત જ પોલીસ ફરિયાદ કરી શકે છે. ૩૧ જૂલાઈ સુધી વ્યાજખોરો વિરુદ્ધ પોલીસની ડ્રાઈવ ચાલશે અને લોકો વિનાસંકોચે મારી પાસે આવી શકે છે. ગત વર્ષે આયોજિત લોક દરબારમાં ૬૦ અરજી મળી હતી જેમાં ૪૭ ગુના દાખલ કરી ૬૫ લોકોની ધરપકડ કરાઈ હતી તો બે વ્યાજખોરોને પાસાના પીંજરે પૂરવામાં આવ્યા હતા. આ પછી લોનમેળાનું આયોજન કરાયું હતું જેમાં ૧૫૦૦ લોકોને ૩.૪૫ કરોડની લોન અપાવાઈ હતી. જ્યારે એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું કે આપઘાત કરતા પહેલાં સો વખત વિચાર કરો કેમ કે જીવન ઘણું જ અમૂલ્ય છે. એક વખત તમે પોલીસ પાસે આવીને તમારી ફરિયાદ કરો એવી મારી બધાને વિનંતી છે.
અલ્પેશ દોંગાએ ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ બોલાવીને ધમકાવ્યો: જયસુખ ભીમાણી
લોકદરબારમાં પોલીસ કમિશનરને ફરિયાદ કરતાં જયસુખભાઈ મોહનભાઈ ભીમાણીએ જણાવ્યું કે અલ્પેશ દોંગા નામની વ્યક્તિ પાસેથી મેં ૨૧ લાખ લીધા હતા. પૈસા આપતી વખતે તેણે ૨% વ્યાજ કહ્યું હતું પરંતુ બાદમાં ૫% કરી નાખ્યું હતું. આ બદલામાં તેણે મારી ૮ એકર જમીન પણ લખાવી દીધી હતી. મેં તમામ પૈસા પરત આપી દીધા છતાં તે જમીન પરત આપતો નથી. આ અંગે મેં ક્રાઈમ બ્રાન્ચમાં અરજી પણ કરી હતી પરંતુ ત્યારબાદ અલ્પેશ મને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને ધમકાવી રહ્યો છે. તે એવું કહી રહ્યો છે કે ક્રાઈમ બ્રાન્ચમાં તેની બધા સાથે ઓળખાણ છે ! આ સાંભળી પોલીસ કમિશનરે તેમને ડીસીપી ક્રાઈમને મળવા માટે કહ્યું હતું.
૧૦ લાખ ચૂકવી દીધા છતાં વધુ રકમની માંગ થાય છે: આદિત્ય વસોયા
આદિત્યકુમાર ગોવિંદભાઈ વસોયાએ લોકદરબારમાં કહ્યું હતું કે તેણે મૌલિક અને ભૌમિક નામના શખ્સો પાસેથી ૧૦ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે ચૂકવી દીધા છતાં વધુ રકમની માંગ કરવામાં આવે છે. આ અંગે મેં ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં અરજી પણ કરી છે પરંતુ કશી કાર્યવાહી થઈ રહી નથી. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું કે ગાંધીગ્રામ-૨માં અત્યારે ઈન્ચાર્જ પીઆઈ હોવાથી અરજી ધ્યાન બહાર રહી ગઈ હશે પરંતુ આ અંગે તુરંત કાર્યવાહી કરવામાં આવશે
લીલી નામની વ્યાજખોરના ત્રાસથી ભાભીએ આત્મહત્યા કરી છતાં ગુનો નથી નોંધાયો
માધવભાઈ ગોહેલ નામના અરજદારે જણાવ્યું કે હું આ પ્રકારના લોકદરબારમાં ચોથી વખત આવી રહ્યો છું ! મારા ભાઈના પત્નીએ ૨૦૧૨માં રામનાથપરા જેલ પાસે પાનના ગલ્લે બેસતી લીલીબેન ડોડીયા પાસેથી વ્યાજે પૈસા લીધા હતા જેની ઉઘરાણીથી કંટાળી જઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે મેં નવ વખત નિવેદન આપ્યું, ચાર વખત તપાસ થઈ છતાં હજુ સુધી લીલી સામે ગુનો નોંધાયો નથી. આ રજૂઆત સાંભળી કમિશનરે માધવભાઈને મંગળવારે ૧૨ વાગ્યે રૂબરૂ બોલાવ્યા હતા.