રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુક્શાનની શક્યતા નહિવત
તુવેર, કપાસ અને એરંડાના પાક ઢળવાની ખેતી વિભાગને કેટલીક રજૂઆત મળી
રાજ્ય સહિત રાજકોટ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે રવિપાકને નુકશાન ઓછી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ખરીફના કપાસ, તુવરે અને એરંડાના પાક કેટલાક ખેતરોમાં ઊભા હોય કેટલીક જગ્યાએથી પાક ઢળવાની રજૂઆતો મળી હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે અનેક જગ્યારએ ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે પણ નુકસાની અંગે સર્વે કરવાની જાહેરાત કરી દીધી છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ માવઠાને કારણે નહિવત નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેતીવાડી વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં હાલ રવિ સિઝનમાં કુલ 87200 હેકટરમાં ઘઉ, ચણા, ધાણા, જીરું, લસણ, ડુંગળી અને શાકભાજી જેવા પાકોનું વાવેતર થયું છે. જે પાકો ઉગવા અવસ્થાએ તેમજ વાનસ્પતિક વિકાસ અવસ્થાએ છે. જેમાં નુકસાન થવાની શક્યતા નહિવત છે.
જ્યારે ખરીફ પાકોમાં મગફળી, મગ, તલ, અડદ, સોયાબીન, પાકોની કાપણી પૂરી થયેલી છે. જેથી આ પાકોમાં નુકાસનની શક્યતા ઓછી છે. હાલ કપાસ, તુવેર અને એરંડાના પાક કેટલાક ખેતરોમાં હોય જેમા પાક ઢળવાની કેટલીક જગ્યાએથી રજૂઆત મળી હોવાનું ખેતીવાડી વિભાગમાંથી જાણવા મળી રહ્યું છે.