રાજ્યના કર્મયોગીઓને 31 જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ
નાયબ મામલતદાર-ક્લાર્ક મિલ્કત જાહેર ન કરે તો પગાર અટકશે
વર્ષ 2024 પૂર્ણ થવા છતાં વર્ગ-3ના અનેક કર્મચારીઓએ સ્થાવર-જંગમ મિલ્કત જાહેર ન કરતા સરકારનો પરિપત્ર
રાજકોટ સહિત રાજ્યભરમાં વર્ગ-3ના ક્લાર્ક, સેનેટરી ઇન્સ્પેકટર અને નાયબ મામલતદાર સંવર્ગના અનેક કર્મચારીઓએ સરકારના નિયમ મુજબ વર્ષ 2024માં સ્થાવર -જંગમ મિલ્કત જાહેર કરી ન હોવાથી સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગરે તમામ કર્મયોગીઓને આગામી તા.31 જાન્યુઆરી 2025 સુધીમાં પોતાની સ્થાવર જંગમ મિલ્કત કર્મયોગી પોર્ટલ ઉપર જાહેર કરવા આદેશ કર્યો છે અન્યથા પગાર અટાવવામાં આવશે તેવું સ્પષ્ટ કરાયું છે.
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો,૧૯૭૧ના નિયમ-૧૯ માં સરકારી અધિકારીઓ/કર્મચારીઓ અંગે સ્થાવર/જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવાઇ થયેલ છે, જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીપૂરૂ થયા પછીના મહિનામાં એટલે કે, તરતના જાન્યુઆરી મહિનામાં ભરવાના રહે છે.જેથી સરકારી અધિકારી દ્વારા નિયત સમયમર્યાદામાં મિલકત પત્રક રજૂ કરવામાં ન આવે તો તેઓના પગાર અટકાવવા બાબતે સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે.
નોંધનીય છે કે, રાજય સરકારના તમામ વર્ગ-૩ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઇ લાગૂ પાડવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓ સાથે વર્ગ-૩ના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી “કર્મયોગી સોફટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઇન ભરવા અન્વયેની કામગીરી 31 જાન્યુઆરી 2025 સુધીમાં પૂર્ણ કરવા સામાન્ય વહીવટી વિભાગે ખાસ પરિપત્ર કરી તમામ જિલ્લાના વડા શાખા અધિકારીઓને સૂચનાનો અમલ કરવા તાકીદ કરી છે.