ચાંદીના વેપારી કાકા-ભત્રીજાને લૂંટવાનો પ્રયાસમાં બે પકડાયા
સામાકાંઠે 21 દિવસ પૂર્વે બનેલા બનાવનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાંચ
રાજકોટના સામા કાંઠે 21 દિવસ પૂર્વે ગઈ તારીખ 18/8ના રોજ ચાંદીના વેપારી પ્રવીણ ગોરધન અજાણી અને તેમના ભત્રીજા વૃતિક જગદીશ અજાણી રૂ.7 લાખની 9.50 કિલો ચાંદી લઈ ઈલેક્ટ્રીક બાઈક લઈને સંતકબીર રોડ પર, જલાગંગા ચોક પાસે આવેલ ““શિવ કાસ્ટીં” વિપુલભાઈ વેકરીયાની દુકાન પર ચાંદિનુ કાસ્ટીંગ કઢાવા માટે ગયા બાદ ત્યાં રૂ.7 લાખનું ચાંદી આપી કાકા-ભત્રીજા પરત ઘરે જવા નીકળ્યા ત્યારે એક સફેદ કલરના નંબર પ્લેટ વિનાના એકસેસ લઈને બુકાની બાંધી આવેલા બે શખ્સોએ પ્રવીણભાઈ પાસે 7 લાખની ચાંદી હોવાની શંકાએ છરીથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ લૂંટના પ્રયાસની ઘટનાનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી.
બનાવવાળી જગ્યાની આજુબાજુમાં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરાઓ ચેક કરીફૂટેજમાં જોવામાં આવતા બન્ને શખ્સો ઓળખાયા હતા જેમાં સાગર ચોક, આર.એમ.સી. ક્વાર્ટર, બીજો બ્લોક, ક્વા.નં. ૧૦૪, પહેલો માળ, હારૂનભાઇ સુમરાના મકાનમાં, બાલાજી હોલ પાછળ રહેતો ઇબ્રાહિમ ઉર્ફે શહેબાજ ઉર્ફે ટીકડો ઉર્ફે જુનાગઢી રજાકભાઇ શેખ (ઉ.વ. ૧૯) અને રંગીલા સોસાયટી નવાગામ રહેતા સાહીલ ઉર્ફે બાડો સલીમભાઇ રફાઇ (ઉ.વ. ૧૯)ની ધરપકડ કરી હતી. પકડાયેલ ઈબ્રાહીમ સામે માલવીયાનગરમાં અને સાહીલ સામે રાજકોટ રેલ્વે,માલવીયાનગર,કુવાડવા રોડ પોલીસમાં બાઇક ચોરી સહિતના ગુન્હાઓમાં તેમજ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં મારા-મારીના ગુન્હામાં નોંધાયેલ છે.
ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ,એસીપી બી. બી. બસિયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પી. આઇ વાય.બી.જાડેજા સાથે કે.ડી.પટેલ અને ટીમના રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, મયુરભાઇ મિયાત્રા તથા વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજાએ કામગીરી કરી હતી.