રાજકોટ પર ડેંગ્યુ-ચિકનગુનિયા-મેલેરિયાનો `ત્રિપલ એટેક’
તહેવારો પૂરા થતાં જ રોગચાળાનું બિહામણું ચિત્ર
મચ્છરજન્ય રોગના એક સપ્તાહમાં ૨૧ કેસ: શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઊલટીના દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલો-દવાખાનાઓ: કેમેય કરીને રોગચાળો કંટ્રોલ કરવામાં મનપા વામણી
જન્માષ્ટમીના તહેવારો પૂરા થયા છે અને હવે લોકો ગણેશોત્સવ તેમજ નવરાત્રી ઉજવવા માટે તૈયારીમાં લાગી ગયા છે બરાબર ત્યારે જ રાજકોટ ઉપર મચ્છરજન્ય રોગચાળો `ત્રિપલ એટેક’ કરી રહ્યો હોય તેવી રીતે ડેંગ્યુ-ચિકનગુનિયા-મેલેરિયાના કેસોએ માથું ઉંચક્યું છે. પાછલા એક સપ્તાહની અંદર આ ત્રણેય રોગના ૨૧ કેસ મળી આવતાં લોકોમાં ગજબ ફફડાટ ફેલાઈ ગયો છે. આ સાથે જ પાણીજન્ય અને ઋતુજન્ય રોગો જેવા કે શરદી-ઉધરસ-તાવ-ઝાડા-ઊલટીના દર્દીઓથી હોસ્પિટલો અને દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. એકંદરે શહેરમાં અત્યારે રોગચાળાનું બિહામણું ચિત્ર જોવા મળી રહ્યું છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા પાછલા એક સપ્તાહના જાહેર કરવામાં આવેલા રોગચાળાના આંકડા પ્રમાણે તા.૧૧-૯-૨૦૨૩થી તા.૧૭-૯-૨૦૨૩ સુધીમાં મેલેરિયાના ૨ (વર્ષના ૪૨), ડેંગ્યુના ૧૦ (વર્ષના ૭૫) અને ચિકનગુનિયાના ૯ (વર્ષના ૨૬) કેસ મળ્યા છે. આ ઉપરાંત શરદી-ઉધરસના ૫૮૨ (વર્ષના ૧૨૩૪૯), સામાન્ય તાવના ૫૨ (વર્ષના ૧૫૩૨) અને ઝાડા-ઊલટીના ૨૨૭ (૪૨૮૦) કેસ મળી આવ્યા છે. થોડી રાહતની વાત એ છે કે પાછલા એક સપ્તાહમાં ટાઈફોઈડનો એક પણ કેસ મળ્યો નથી.
બીજી બાજુ મચ્છરજન્ય રોગને અટકાવવા માટે મહાપાલિકા દ્વારા એક સપ્તાહમાં ૫૪૭૭૫ ઘરોમાં પોરાનાશક કામગીરી અને ૪૧૪૫ ઘરમાં ફોગિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મચ્છર ઉત્પતિ બદલ ૫૧૩ લોકોને નોટિસ અને ૪૧ લોકો પાસેથી ૨૦૭૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી છે.
ચિકનગુનિયાના રોગે ચિંતા જન્માવી: ભૂતકાળ જેવી સ્થિતિ
પાછલા થોડા વર્ષ પહેલાં રાજકોટમાં ચિકનગુનિયાના રોગે માથું ઉંચકતાં ઘેર-ઘેર આ રોગના દર્દીઓ જોવા મળતા હતા ત્યારે આ વર્ષે પણ જે રીતે કેસો મળી રહ્યા છે તેને જોતાં ભૂતકાળની પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું હોય તેવું લોકો માની રહ્યા છે. એક સપ્તાહમાં ચિકનગુનિયાના વધુ નવ કેસ મળતા આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે.
