માવઠાનું ટ્રેલર ! દિવસભર ધુમ્મસ વચ્ચે પારો ઉંચકાયો
હવામાં ભેજનું પ્રમાણ વધતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે કમોસમી વરસાદની શક્યતા
રાજકોટ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ સૌરાષ્ટ્ર કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે ગુરુવારે રાજકોટ સહિત રાજ્યભરમાં ભેજનું પ્રમાણ વધી જતા દિવસભર ધુમ્મસભર્યું ધૂંધળું વાતવરણ છવાયું હતું. બીજી તરફ ભેજવાળા વાતાવરણને કારણે નલિયાને બાદ કરતા સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો હતો. જો કે, ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ રહેતા દિવસભર ઠંડી અનુભવાઈ હતી.હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાતવરણમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં ડાંગમાં 100, નર્મદામાં 94, સુરતમાં 92 ટકા તો રાજકોટ અને નલિયામાં 88 ટકા તેમજ ઓખા ભાવનગર અને વડોદરામાં ભેજનું પ્રમાણ વધીને 83 ટકા થઇ ગયું હતું. ગુરુવારે હવામાનમાં આવેલા પલટાને કારણે લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. નલિયામાં લઘુતમ તાપમાનમાં એક ડિગ્રી વધી 9.8 ડિગ્રી, અમરેલીમાં 4 ડીગ્રી વધીને 13.6 ડિગ્રી,રાજકોટમાં બે ડિગ્રી વધી 11, પોરબંદરમાં 14.6, વેરાવળમાં 15.8 ઓખામાં 17.6, દ્વારકામાં 16.4, ભાવનગરમાં 17 ડિગ્રી, વડોદરામાં 19 ડિગ્રી,ડીસામાં 15.3 અને અમદાવાદમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો વધારો થશે.
બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજ ખેંચાઈ રહ્યો હોવાથી હવામાન વિભાગે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલી, ઉપરાંત સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને કચ્છ તેમજ દીવમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.