પનીરમાં ભેળસેળ મામલે વેપારીને પાંચ લાખનો દંડ
એક વર્ષ પૂર્વે 1600 કિલો પનીર પકડાવા મામલે અધિક કલેકટરનો આકરો દંડ : મિનરલ પાણીના ધંધાર્થીને 50 હજારનો દંડ
રાજકોટ : એકાદ વર્ષ પૂર્વે રાજકોટની નામાંકિત ગણાતી દૂધની ડેરીમાં ભેળસેળીયા પનીરનો જથ્થો સપ્લાય થાય તે પહેલા જ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમોએ ભૂતખાના ચોક નજીકથી ભાવનગરથી મંગાવવામાં આવેલ 1600 કિલો પનીરનો જથ્થો પકડી પાડ્યો હતો જે અંગેનો કેસ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની ફૂડ સેફટી કોર્ટમાં ચાલી જતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચેતન ગાંધીએ પનીરના વેપારીને પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. સાથે જ મિનરલ વોટરના એક ધંધાર્થીને રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો હતો.
રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ એકાદ વર્ષ પહેલા ભાડલા પેટ્રોલ પમ્પ નજીક ભુતખાના ચોકમાં વોચ ગોઠવી બાતમીને આધારે1600 કિલો લુઝ પનીરનો જથ્થો ભરેલ બોલેરો વાન પકડી પાડી પનીર સપ્લાય કરતા રામનાથપરા મેઇન રોડ પર રહેતા ઇમ્તીયાઝ જુમ્માભાઇ કાનીયાને ઝડપી લીધો હતો. આ શખ્સની પુછપરછમાં તે દોઢ વર્ષથી શહેર અને આજુબાજુના તાલુકાના વિસ્તારોમાં પનીર સપ્લાય કરતા હોવાનું કબુલ્યું હતું. અને પનીરનો આ જથ્થો ભાવનગર જિલ્લાના મહુવાના મેસવાડ ગામે આવેલા રામકૃષ્ણ ડેરીમાંથી મંગાવ્યાનું કબુલ્યું હતું.
વધુમાં રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ ટીમે આ પનીરના નમૂના લેતા નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવ્યો હતો.જે અંગેનો કેસ મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટની ફૂડ સેફટી કોર્ટમાં ચાલી જતા આરોપીએ કબુલ્યું હતું કે તે 190 રૂપિયે કિલોગ્રામના ભાવે પનીર મંગાવ્યા બાદ 20 રૂપિયાનો નફો મેળવી અન્ય નામાંકિત પેઢીઓને વેચાણ કરતો હતો.જનઆરોગ્ય સાથે ખિલવાડ સમાન આ કેસમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચેતન ગાંધીએ આરોપીને રૂપિયા 5 લાખનો દંડ ફટકારવા હુકમ કર્યો હતો.
વધુમાં અન્ય એક કેસમાં બીઆઇએસ બ્રાન્ડ મિનરલ વોટરની 200 મીલી તેમજ 500 મીલીની બોટલ ઉત્પાદન અને વેચાણ કરતા ગિરીશ લાલજી શીંગાળાની મિનરલ વોટરની બોટલમાં ક્ષતિ જણાતા 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ધંધાર્થીએ ધંધો બંધ કરી દીધા બાદ છેલ્લા સ્ટોકમાંથી નમૂના લેવામાં આવ્યા હતા.