આજે કેન્દ્ર જેવા જ ‘મધમીઠા’ બજેટને મળશે મંજૂરી
રાજકોટને રહેવાલાયક' બનાવવા માટે RMCનો વેરાવધારાનો
ડામ’ નહીં અપાયટ્રાફિક, સફાઈ, પાણી, રોડ-રસ્તા, ખોટા ખર્ચ બંધ કરવા સહિતના તમામ મુદ્દાને બજેટમાં આવરી લેવાશે
મ્યુ.કમિશનરે સુચવેલી યોજના ઉપરાંત પદાધિકારીઓએ પણ બજેટમાં કર્યો
ઉમેરો’
જે યોજનાની જાહેરાત કરાય તે આવતાં વર્ષ સુધીમાં સાકાર થાય તેના ઉપર અપાશે ભાર-સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર
વર્ષ ૨૦૨૫-૨૬ માટે મ્યુનિસિપલ કમિશનરે તૈયાર કરેલા ડ્રાફ્ટ બજેટને આજે મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરીની મ્હોર લગાવવામાં આવશે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું તે લોકોને ખાસ્સું પસંદ પડ્યું હોય ત્યારે કેન્દ્ર જેવું જ મધમીઠું' બજેટ તૈયાર કરીને આજે સ્ટેન્ડિંગ કમિટી તેને મંજૂરી આપશે. એકંદરે ડ્રાફ્ટ બજેટમાં મ્યુ.કમિશનર દ્વારા ૧૫૦ કરોડનો ફાયર, મિલકત, ગાર્બેજ સહિતનો વેરાવધારો સુચવવામાં આવ્યો હતો તેને ફગાવી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મ્યુ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટને
લીવેબલ રાજકોટ’ મતલબ કે રહેવાલાયક રાજકોટ નામ આપવામાં આવ્યું હતું ત્યારે શહેરને `રહેવાલાયક’ બનાવવા માટે વેરાવધારાનો ડામ આપવાના મૂડમાં પદાધિકારીઓ બિલકુલ નથી.

આજે સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને સવારે ૧૦:૩૦ વાગ્યે સંકલન બેઠક મળશે અને ત્યારબાદ ૧૧ વાગ્યે કમિટી દ્વારા મંજૂરી અપાયેલા બજેટને જાહેર કરવામાં આવશે. બજેટમાં ટ્રાફિક, સફાઈ, પાણી, રોડ-રસ્તા, ખોટા ખર્ચ બંધ કરવા, તંત્ર માટે આવક ઉભી કરવાના નવા વિકલ્પ શોધવા સહિતના લગભગ તમામ પાસાંને આવરી લેવામાં આવ્યા છે. મ્યુ.કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટમાં જે યોજના સુચવવામાં આવી હતી તેને યથાવત રાખવામાં આવી છે સાથે સાથે બજેટમાં પદાધિકારીઓ દ્વારા પણ લોકોને સીધી રીતે સ્પર્શી જાય તેવી યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો છે. એકંદરે આ વર્ષનું બજેટ એકદમ હળવુંફુલ હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે.
દરમિયાન ચેરમેન જયમીન ઠાકરે ભારપૂર્વક જણાવ્યું કે બજેટમાં જે યોજનાની જાહેરાત કરવામાં આવશે તે આવતાં વર્ષ સુધીમાં સાકાર થાય અથવા તો જાહેર થયાની સાથે જ યોજનાનો ફટાફટ અમલ શરૂ થઈ જાય તેવી જ વાસ્તવિક યોજનાને બજેટમાં સમાવવામાં આવી છે મતલબ કે કાગળ ઉપર જ રહે તેવી એક પણ યોજનાને બજેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
૨૭ સુચનનો પણ બજેટમાં સમાવેશ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે બજેટ અંતર્ગત લોકોના સુચન પણ મંગાવવામાં આવ્યા હતા ત્યારે રાજકોટની સુવિધામાં શું સુધારો-વધારો કરી શકાય તે માટે અનેક સુચન આવ્યા હતા તેમાંથી ૨૭ સુચન એવા છે જેનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ધારાસભ્યો, સાંસદો સહિતનાના સુચનને પણ સ્થાન આપવામાં આવ્યું છે.