આજે રેસકોર્સમાં ‘માડી’ નો ગરબો ગુંજશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ઉપર એક લાખ લોકો થીરકશે અને સ્થપાશે વર્લ્ડ રેકોર્ડ
ગાયક પાર્થિવ ગોહિલ યુવાઓને ડોલાવશે
20 જેટલા આકર્ષક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા
સી.આર.પાટીલ, હર્ષ સંઘવી, મંત્રીઓ સહિતના મહાનુભાવો હાજર રહેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા ‘માડી’ નામનો એક માતાજીની આરાધના માટે ગરબો લખ્યો હતો. જેને આ નવરાત્રિ પહેલા સિંગર ધ્વનિ ભાનુશાળીના અવાજમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં તનિષ્ક બાગચીએ સંગીત આપ્યું હતું. જોકે હવે આ ગરબા પર રાજકોટ વાસીઓ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. શનિવારે રેસકોર્સના મેદાનમાં સાંજે ૭ વાગ્યાથી એક લાખ લોકો એક સાથે ગરબા કરશે. આ ગરબા માટેની તમામ તૈયારી પૂરી થઇ ગઈ છે.
આ ગરબાના PM મોદીએ પણ ખૂબ વખાણ કર્યા હતા અને કલાકારોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાની આગેવાનીમાં શહેર ભાજપ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને ઇન્ક્રેડીબલ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી દ્વારા લિખિત માડી ગરબો શરદ પૂનમના પવિત્ર દિવસે માતાજીની આરાધના સ્વરૂપે ઘર ઘર સુધી પહોંચે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘સે નો ટુ ડ્રગ્સ’ના સૂત્ર સાથે કાર્યક્રમનું આયોજન
યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ રાજ્ય અને દેશભરમાં ભરડો લઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો હજાર રહેવાના હોય આ કાર્યક્રમમાં હાજર વિદ્યાથીઓ, યુવાનો અને શહેરીજનોને ડ્રગ્સથી દૂર રહેવાનો સંકલ્પ કરાવવામાં આવશે.
CR પાટીલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા અને રાજકોટના તમામ ધારાસભ્યો, સાંસદ મોહન કુંડારિયા અને રામભાઈ મોકરિયા અને રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ગાયક પાર્થિવ ગોહિલ યુવાઓને ડોલાવશે
આ વર્લ્ડ રેકૉર્ડમાં પ્રખ્યાત ગાયક અને ગરબા સ્પેશિયાલિસ્ટ પાર્થિવ ગોહિલના અવાજમાં તેમની સાથે ગાયક કલાકારોની ટીમ અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આપનાર સાજીંદાઓ માડી ગરબા પર રાજકોટના યુવાઓને ડોલાવશે.
સુરક્ષા માટે તમામ વ્યવસ્થા અને આકર્ષણ માટે સેલ્ફી પોઇન્ટસ્ રખાશે
આટલા મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના હોય જેને લઇને સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સ્થળ પર ૩૦ જેટલી મેડિકલ ટીમો અને 10 જેટલી એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. જેથી કોઈ મેડિકલ ઇમરજન્સીમાં ત્વરિત સ્થળ પર જ સારવાર મળી રહેશે અને મોટી ઇમરજન્સીમાં તાત્કાલિક વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી શકાશે. આ ઉપરાંત યુવાનોના આકર્ષણ માટે 20 જેટલા આકર્ષક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં આકર્ષક અને કલાત્મક સ્ટેજ અને અદ્યતન સાઉન્ડ સિસ્ટમ સાથે યુવાઓને ગરબે રમવાની મજ્જા પડી જશે. એક લાખથી વધુ યુવાનો એક સાથે ગરબે રમે તેવી આ પેલી તક છે,આ ઉપરાંત આ કાર્યક્રમમાં 500થી વધુ સ્વયં સેવકો પણ વ્યવસ્થા જાળવવા માટે ખડેપગે રહેશે.