આજે દ્વારકાને સુદર્શન બ્રિજ અને જામનગરને સાયન્સ સેન્ટરની મળશે ભેટ
વડાપ્રધાનનું રાત્રે જામનગરમાં આગમન બાદ દિગ્જામ સર્કલથી સાત રસ્તા સુધી ભવ્ય રોડ-શો યોજાયો: સવારે હેલિકોપ્ટર
મારફતે દ્વારકા જવા માટે રવાના થશે
આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું શનિવારે રાત્રે જામનગર ખાતે આગમન થતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સ્થાનિક નેતાઓએ ઉષ્માંભેર સ્વાગત કર્યા બાદ દિગ્જામ સર્કલથી સાત રસ્તા સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો અને રાત્રે જામનગર સર્કિટ હાઈટ્સમાં રોકાણ કરી વહેલી સવારે નાસ્તો કરી દ્વારકા જવા રવાના થયા બાદ બેડ દ્વારકા અને દ્વારકાધીશ મંદિરે પૂજન અર્ચન સાથે સુદર્શન બ્રિજના લોકાર્પણ સાથે જામનગરને રૂપિયા ૧૦૦ કરોડના રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિત દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ૪ હજાર ૧૫૩ કરોડ રૂપિયાના ૧૧ વિકાસ પ્રકલ્પોની ભેટ આપનાર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે રાત્રે હવાઈમાર્ગે જામનગર આવી પહોંચ્યા બાદ રાત્રી રોકાણ સર્કિટ હાઉસે કરનાર હોય સમગ્ર વહીવટીતંત્ર વ્યસ્ત બન્યું છે ત્યારે આગમન બાદ દિગ્જામ સર્કલથી સાત રસ્તા સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ-શો યોજાયો હતો જેમાં રોડ-શો રૂટ ઉપર અલગ અલગ ચાર સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે સવારે વડાપ્રધાન જામનગરથી સીધા જ હેલીકૉપટર મારફતે બેટ દ્વારકા જશે જ્યાં ૦૭:૩૫ કલાકે બેટ દ્વારકામાં આગમન બાદ ૦૭:૪૫ કલાકે બેટ દ્વારકા મંદિરમાં દર્શન કરી સવારે ૦૮:૨૫ કલાકે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ ૦૯:૩૦ વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી ૧૨:૧૫ કલાકે ખાતમુહૂર્ત, લોકાર્પણ કાર્યક્રમ સાથે જાહેર સભાને સંબોધન કરી રાજકોટ જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી દ્વારકા ખાતે જાહેરસભા દરમિયાન જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના ૪ હજાર ૧૫૩ કરોડ રૂપિયાના ૧૧ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
જેમાં દેવભૂમિ દ્વારકામાં ૯૭૯ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા `સુદર્શન સેતુ’નું લોકાર્પણ, રાજકોટથી ઓખા અને રાજકોટ-જેતલસર-સોમનાથ તેમજ જેતલસર-વાંસજાળીયા સુધી ૬૭૬ કરોડ રૂપિયાના ખર્ચે કુલ ૫૩૩ રેલવે કિલોમીટર લંબાઇ રેલમાર્ગનું ઇલેક્ટ્રીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ, વાડીનારમાં ૧ હજાર ૩૭૮ કરોડ રપિયાના ખર્ચે બે ઓફશોર પાઇપલાઇનનું લોકાર્પણ, કાલાવડ તાલુકાના છત્તર પાસે બાવન કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ૧૨.૫ મેગાવોટ ક્ષમતાના વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ જામનગરમાં ૧૦૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર રિજિયોનલ સાયન્સ સેન્ટર પ્રોજેક્ટ સહિત માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ૬ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.