ફાયર એનઓસી વગરની પડધરીની ત્રણ સ્કૂલ સીલ
પડધરી મામલતદાર અને પોલીસની સંયુક્ત કાર્યવાહી
રાજકોટ : રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના બાદ સમગ્ર જિલ્લામાં ફાયર એનઓસીના મામલે શૈક્ષણિક સંસ્થાઓ, કોમ્પ્લેકસો, બિલ્ડીંગોમાં તપાસણી કરી સીલ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે શનિવારે પડધરી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી ત્રણ ખાનગી સ્કૂલોમાં તપાસ બાદ ફાયર એનઓસી ન મેળવ્યા હોવાથી ત્રણેય સ્કૂલોને સીલ કરી દેવામાં આવતા શાળા સંચાલકોમાં ફફડાટ મચી ગયો હતો.
હાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ હાઇકોર્ટના આદેશને પગલે શાળાઓમાં ફાયર એનઓસી મામલે સઘન તપાસ કરી ફાયર એનઓસી વગરના સંકુલો સીલ કરવા આદેશ કર્યો છે જેને પગલે પડધરીમાં મામલતદાર કે.જી.ચુડાસમા, નાયબ મામલતદાર જે.કે.પિલોજપરા, એચ.પી.રૈયાણી, પો.કોન્સ. એ.વી.ડાંગર, પી.જી.પરમાર, પીજીવીસીએલના પી.જી.ગામેતી સહિતના કર્મચારીઓની ટીમે પડધરી ટોલનાકા નજીક આવેલ વણપરી ગામની આત્મીય સ્કૂલ, પડધરી બાયપાસ ઉપર આવેલ લોટ્સ સ્કૂલ તેમજ પડધરી શહેરમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ અવધ સ્કૂલમાં ફાયર સેફટીના સાધનો ન હોવાથી ત્રણેય શાળાઓમાં સિલિંગની કાર્યવાહી કરી હતી.
અહી એ ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી વગરની શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ ફટકારી સીલ કરવામાં આવ્યા બાદ સેલ્ફ ડેક્લેરેશન મેળવી નવા શૈક્ષણિક સત્રમાં શાળાઓના સીલ ખોલી આપવામાં આવેલ હતા ત્યારે બીજી તરફ હવે ફાયર એનઓસી મામલે ગ્રામ્ય વિસ્તારમાં પણ સઘન પગલાં લઈ એક સાથે ત્રણ સ્કૂલોને સીલ કરી દેવામાં આવતા શાળા સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.