રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ ત્રણના મોત
રાજકોટમાં હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યા છે.ત્યારે ગઇકાલે વધુ ત્રણ બનાવ સામે આવ્યા છે.વિગત મુજબ પેડક રોડ પર પંચશીલ સ્કૂલ પાસે રહેતા વિશાલભાઈ કેશુભાઈ ક્યાડા (ઉ.વ.34) રાત્રિના બે વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અને તેઓનું અહી ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું.જ્યારે તબીબોએ હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું.બીજા બનાવમાં મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ પ્રવીણભાઈ ચૌહાણ (ઉ.વ.36) રાત્રિના સૂતા હતા ત્યારે હ્રદય રોગનો હુમલો આવતા તેઓનું મોત થયું હતું.અને ત્રીજા બનાવમાં માધાપર ચોકડી પાસે રેલવે ઓવર બ્રિજ નજીક ગોલ્ડ પોટિકો એપાર્ટમેન્ટમાં રહેતા ગીતાબેન વિનુભાઈ ધામેલિયા (ઉ.વ.53) રાત્રિના સૂતા બાદ સવારે પરિવારે તેઓને જોતાં તેઓ બેભાન હોવાનું માલૂમ પડતાં તાત્કાલિક 108 મારફત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.અહી ફરજ પરના તબીબોએ તપાસીને મૃત જાહેર કર્યા હતા.તેમજ હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું.