આ રૈયા રોડ છે…અહીં ફૂટપાથ ચાલવા માટે નહીં, દબાણ કરવા માટે છે !!
સ્માર્ટ રાજકોટ'ના બણગા ફૂંકતાં RMCને
વોઈસ ઓફ ડે’ બતાવી રહ્યું છે અરીસો…
મ્યુનિ.કમિશનર, સેન્ટ્રલ ઝોનના ઈજનેર, મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેને એક વખત અહીંથી નીકળવાની જરૂર પછી રાજકોટ સ્માર્ટ સિટી' છે તેમ બોલી બતાવે તો માની જઈશું...!
ફૂટપાથ ઉપર કોઈએ ખુરશીનો જથ્થો ખડકી દીધો, કોઈએ ફ્રીઝના મસમોટા બોક્સ-વાહન મુકાવ્યા, કોઈએ નાના-મોટા બોર્ડ મુકી દીધા તો અમુક જગ્યાએ તો વાહન રાખવાની પણ જગ્યા નહીં

રાજકોટની વસતી અને વિસ્તાર બન્ને દિવસેને દિવસે વધી રહ્યા છે. આ બન્ને વધે એટલે સ્વાભાવિક રીતે પ્રાથમિક સુવિધાની જરૂરિયાત પણ ઉભી થવાની જ છે. જો કે એ.સી.ચેમ્બરમાં માત્ર કાગળ ઉપર જ રાજકોટને
સ્માર્ટ’ બનાવવાની મસમોટી વાતો કરતી મહાપાલિકાને લોકોને અપાતી સુવિધાની કશી જ પડી ન હોય તેવી રીતે વિકાસ નહીં બલ્કે કરુણ રકાસ થઈ રહ્યો છે. અત્યારે શહેરના લગભગ કોઈ વિસ્તારમાં તમે ચાલ્યા જાવ, ચાલવા માટે ફૂટપાથ મળી જાય તો વિસ્તાર ખરેખર ભાગ્યશાળી' ગણાશે પરંતુ આ વિસ્તાર શોધવા માટે તમારે ઘણી મહેનત પણ કરવી પડશે ! આ જ દિશામાં
પ્રજાનો અવાજ’ બની વોઈસ ઓફ ડે' દ્વારા તંત્રને અરીસો બતાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેનું નામ
ફૂટપાથ ઝુંબેશ’ છે. આ ઝુંબેશમાં સૌથી પહેલો વિસ્તાર રૈયા રોડનો લેવામાં આવ્યો છે જ્યાં ફૂટપાથ ચાલવા માટે નહીં બલ્કે દબાણ કરવા માટે જ હોવાનું કેમેરામાં કેદ થયું છે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સેન્ટ્રલ ઝોનના મુખ્ય ઈજનેર અતુલ રાવલ, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર સહિતના કે જેમના ઉપર લોકોને પ્રાથમિક સુવિધા આપવાની મુખ્ય જવાબદારી રહેલી છે તેઓ રૈયા રોડ ઉપર આવેલા રાજ કોમ્પલેક્સ, કૃતિ કોમ્પલેક્સ ઉપરાંત અન્ય વિસ્તારોનો એક રાઉન્ડ લઈને પહેલાં ખરાઈ કરે અથવા તો મનપાના `કામઢા’ સ્ટાફની વિશાળ ફૌજ પાસે આ કામ કરાવ્યા બાદ જો એમ બોલીને બતાવે કે રાજકોટ ખરેખર સ્માર્ટ સિટી છે તો માની જઈશું તેમ અહીં કાયમી પીડા વેઠતાં લોકોનું કહેવું છે.
રૈયા રોડ પર આવેલા રાજ કોમ્પલેક્સ દ્વારા ફૂટપાથ પર પોતાની નવી-નક્કોર ખુરશીનો જથ્થો ખડકી દેવામાં આવ્યો છે તો ઓમ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ દ્વારા ફૂટપાથ ઉપર રેફ્રિઝરેટર સહિતના મહાકાય બોક્સ મુકી દેવાયા છે તો થોડી-ઘણી બાકી રહેતી ફૂટપાથ પર ટુ-વ્હીલર પાર્ક કરાવી દેવાયા છે. આવી જ રીતે કૃતિ કોમ્પલેક્સની સ્થિતિ પણ એવી જ ભાસી રહી છે. ત્યાં ફૂટપાથ ઉપર એકલ-દોકલ નહીં બલ્કે ટુ-વ્હીલરનો ખડકલો જોવા મળી રહ્યો છે તો રૈયા રોડ પર આવેલી અન્ય દુકાનો બહારની ફૂટપાથ ઉપર મોબાઈલ રિપેરિંગ, કપડાંની જોડીના બોર્ડ મુકી દેવામાં આવ્યા છે પરિણામે અહીં ફૂટપાથ ચાલવા માટે નહીં બલ્કે દબાણ કરવા માટે હોય તેવું કોઈ પણ વ્યક્તિ છાતી ઠોકીને કહી શકે છે…!
ફૂટપાથ ઉપર જ શો-રૂમ, દુકાનો, રેસ્ટોરન્ટ અને પાર્કિંગ !!!
ફૂટપાથ પર બધું જ છે, નથી તો ચાલવા માટેની જગ્યા
શા માટે ફૂટપાથ પર પાર્ક કરાયેલા વાહનોને દંડ નથી ફટકારતી પોલીસ ? કેમ મનપાની દબાણ હટાવ શાખા ગેરકાયદે ખડકલો જપ્ત નથી કરતી ?
નિયમ પ્રમાણે કશું જ ન હોવું જોઈએ પણ રાજકોટમાં ચાલે કેમ કે અહીં રામરાજ્ય' છે...!!
આમીરખાન અભિનીત
ગજની’ ફિલ્મમાં એક સીન છે…એક રિક્ષા ચાલકે રસ્તે ચાલી જતી મહિલાને ઠોકર મારી એટલે રિક્ષામાં બેઠેલો આમીરખાન તે મહિલાને સોરી કહે છે. આ પછી રિક્ષા ચાલક સરસ ડાયલોગ બોલે છે કે તમે શું કામ સોરી કહો છો, જો લોકો રસ્તા પર ચાલશે તો અમે (રિક્ષા કે વાહનચાલકો) શું હવામાં ઉડીને વાહન ચલાવશું ?!!
અહીં સવાલ એ છે કે લોકો રસ્તા ઉપર શું કામ ચાલે છે…તો સીધો સાદો જવાબ છે કે ફૂટપાથ ઉપર જગ્યા નથી. એક્ચ્યુલી ફૂટપાથ એ દરેક શહેરનો અરીસો હોય છે. ફૂટપાથ કેટલી સુરક્ષિત અને સુગમ છે તે પરથી જ શહેર પ્રત્યેનો દૃષ્ટિકોણ નક્કી થતો હોય છે. `વોઈસ ઓફ ડે’એ રાજકોટના જુદા જુદા વિસ્તારોની ફૂટપાથની સ્થિતિ જાણવાની કોશિશ કરી તો એક જ નિષ્કર્ષ નીકળ્યો કે ફૂટપાથો પર શો-રૂમ, પાર્કિંગ, ફૂડશોપ, દુકાનો ખૂલીગયા છે. બધુ જ છે પણ માત્ર લોકોને ચાલવા માટે જગ્યા જ નથી !
એટલું તો ચોક્કસ કહી શકાય કે શહેરની ૭૫% ફૂટપાથ પર દબાણ છે અને ૫% પર કચરો કે લોકોએ થૂંકીને ચાલવા લાયક રહેવા દીધી નથી. ફૂટપાથ પર કાર અને બાઈક, સ્કૂટર જેવા વાહનો પાર્ક કરવામાં આવે છે, મહાપાલિકા ફૂટપાથની વચ્ચોવચ્ચ ગમે ત્યાં વૃક્ષારોપણ કરીને પાંજરા ખડકી દે છે. જ્યાં પાર્કિંગ નથી કરવામાં આવતું ત્યાં દુકાન અને શો-રૂમ વાળાનું દબાણ છે. કેટલીક ફૂટપાથ તો એવી છે કે તેના ઉપર કાયમ ટુ-વ્હીલર્સ દોડતા રહે છે. ફૂટપાથની સાઈઝ ખૂબ જ નાની અને સાંકડી છે. તેમાં પણ ફૂટપાથની અડધી સાઈઝ વૃક્ષ અને ઈલેક્ટ્રિક થાંભલાઓએ રોકી રાખી છે. ફૂટપાથની ડિઝાઈન ખરાબ હોવાથી લોકો તેના ઉપર ચાલી શકતા નથી.
એવું નથી કે આ સ્થિતિની કોઈને ખબર નથી. મહાપાલિકા અને પોલીસ તંત્ર આ બધું જાણે જ છે પણ હોતી હૈ…ચલતી હૈ…ની જેમ ચાલવા દે છે.
રાજકોટવાસીઓ અને કાયદો એમ કહે છે કે ફૂટપાથ પાર્કિંગ માટે નથી છતાં જો પાર્ક થાય તો વાહનના માલિકને દંડ કરવો જોઈએ. મોડલ રોડ પર ફૂટપાથના નિયમોનું પાલન થયું નથી. ફૂટપાથની નક્કી કરેલી પહોળાઈની સાથે તેની પર કોઈ સાઈન બોર્ડ, હોર્ડિંગ કે પોસ્ટર વગેરે પણ ન હોવા જોઈએ પણ રાજકોટમાં બધું જ છે કારણ કે અહીં રામરાજ્ય છે…!