આવું બની રહ્યું છે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નવું ટર્મિનલ : એક્સક્લુઝિવ તસવીરી ઝલક ‘વોઈસ ઓફ ડે’ના વાંચકો માટે…
નવા ટર્મિનલમાં RKC-વાંકાનેરના રજવાડાની વિરાસતની થીમ
દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા આઈકોનિક સિમ્બોલ મુકાશે
દિવાળી આસપાસ નવા ટર્મિલનું કામ પૂરું થઈ જશે, ત્યારબાદ અહીંથી ડોમેસ્ટિક અને પછી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ભરશે ઉડાન
જ્યારથી શરૂ થયું છે ત્યારથી લઈ આજ સુધી કોઈને કોઈ કારણસર વિવાદમાં રહેતાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ટૂંક સમયમાં મુસાફરોને પડનારી અગવડ દૂર થઈ જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એરપોર્ટનું ઉદ્ઘાટન કરાયા બાદ અહીં હંગામી ધોરણે ટર્મિનલ તૈયાર કરવામાં આવ્યું હતું તેના મારફતે ફ્લાઈટસનું સંચાલન થઈ રહ્યું હતું. જો કે કાયમી ટર્મિનલ પણ તૈયાર થવાની અણીએ છે અને દિવાળી આસપાસ તેનું કામ પૂર્ણ થઈ જવાનો આશાવાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સેવી રહ્યા છે ત્યારે નવું ટર્મિનલ અંદરથી કેવું તૈયાર થયું છે, શું થીમ છે તે સહિતની એક્સક્લુઝિવ તસવીરી ઝલક
વોઈસ ઓફ ડે’ તેના વાંચકો માટે પ્રસ્તુત કરી રહ્યું છે.

નવા ટર્મિનલમાં વાંકાનેરના રજવાડાની વિરાસતની થીમ સાથે રાજકોટની ઐતિહાસિક રાજકુમાર કોલેજની અંદર મુકાયેલી પ્રતિકૃતિઓનું મિશ્રણ કરીને ડેકોરેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અંદર દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટર્મિનલ-૨માં જેવો સિમ્બોલ છે તે આઈકોનિક સિમ્બોલ પણ અહીં મુકવામાં આવશે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ૮૫થી ૯૦% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે ઈમિગ્રેશન તેમજ કસ્ટમ માટેના કાઉન્ટર તૈયાર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ બ્યુરો સેન્ટ્રલ ઑફ એવિએશન-દિલ્હીના અધિકારીઓએ ટર્મિનલની મુલાકાત લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ ઉપરાંત અમુક વિભાગ એરપોર્ટ ઓથોરિટીને સોંપી દેવામાં આવતાં સર્વર, સીસીટીવી કેમેરા સહિતનું ફિટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા રિપોર્ટ તૈયાર કરાયા બાદ તેમાં સુચવાયેલા સુધારા-વધારાનો પણ ઝડપથી અમલ કરવામાં આવશે.

નવા ટર્મિનલમાં ૩૬ ચેક ઈન-ચેક આઉટ કાઉન્ટર મુકવામાં આવ્યા છે. એકંદરે બે મહિનાનું કામ ૧૦થી ૧૫ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવતાં દિવાળી સુધીમાં નવા ટર્મિનલ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે. આ પછી એરલાઈન્સની પ્રપોઝલના આધારે ઈન્ટરનેશનલ ફ્લાઈટ પણ શરૂ કરાશે. નવા ટર્મિનલની સાથે જ નવા ચાર એરોબ્રિજ પણ કાર્યરત થઈ જશે જેના મારફતે મુસાફરો સીધા ફ્લાઈટમાં પહોંચી શકશે.