ગેમઝોનમાં પેટ્રોલ ડીઝલનો ગેરકાયદેસર સંગ્રહ થતો હતો ! પુરવઠા તંત્ર અજાણ
30 લિટરથી વધુ પેટ્રોલ રાખી ન શકાય તેમ છતાં હજારો 1 લીટર પેટ્રોલ રખાતું ! ક્યાંથી આવતું તે પણ મોટો પ્રશ્ન
રાજકોટ : રાજકોટના મોતના ગેમઝોનમાં 30-30 માનવ જિંદગીનો ભોગ લેવાયા બાદ હાઇકોર્ટની સુઓમોટો કાર્યવાહી બાદ ભેખડે ભરાયેલ સરકારે હાલમાં તાત્કાલિક અસરથી સાત કસુરવાન નાના અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જો કે, મોતના આ ગેમઝોનમાં આગ લાગ્યા બાદ અહીં 1200 લીટર પેટ્રોલ અને 1500 લીટર જેટલું ડીઝલ સંગ્રહવામા આવેલ હોવાનું સામે આવ્યું છે, જો કે, આ ગંભીર બાબત હોવા છતાં પુરવઠા તંત્ર હરકતમાં આવ્યું નથી ઉલટું હવે લાયસન્સ પ્રથા જ બંધ હોવાનું અમારામાં ન આવે તેવા જવાબો અપાઈ રહ્યા છે. હકીકતમાં પેટ્રોલપંપ ઉપરથી બોટલમાં કે, મોટી માત્રામાં પેટ્રોલ આપવામાં આવતું નથી ત્યારે મોત ઝોનના સંચાલકો આટલા મોટા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ ક્યાંથી લાવતા તે પણ તપાસ માંગતો વિષય છે.
સામાન્ય સંજોગોમાં કોઈપણ મોટર સાયકલ ચાલકને ચાલુ બાઇકે પેટ્રોલ ખૂટી જાય તો પેટ્રોલપમ્પ ઉપરથી બોટલમાં 1 લીટર પેટ્રોલ પણ આપવામાં આવતું નથી ત્યારે બીજી તરફ રાજકોટના મોતના ગેમઝોનમાં આગની દુર્ઘટના સમયે 1200 લીટર જેટલું પેટ્રોલ અને 1500 લીટર જેટલું ડીઝલ મળી આવ્યાનું સામે આવ્યું છે, સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ તપાસણી માટે દોડી જતા પુરવઠા વિભાગ પાસે ટીઆરપી ગેમઝોનમાં મોટાપ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ મળી આવવાના કિસ્સામાં એક જ જવાબ મળી રહ્યો છે કે, સરકારે લાયસન્સ પ્રથા કાઢી નાખતા અમે પેટ્રોલપંપમાં પણ ચેકીંગ કરી શકતા નથી, હકીકતમાં કોઈપણ પેટ્રોલપમ્પ ઉપરથી બલ્કમાં વાહન સિવાય 200 લિટરથી વધુ ડીઝલનું વેચાણ થતું હોય તો પુરવઠા વિભાગ ચોક્કસથી કાર્યવાહી કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અત્યન્ત જવલનશીલ પદાર્થ ગણાતા પેટ્રોલનો સંગ્રહ કરી શકાતો નથી વાહન સિવાય 30 લીટર પેટ્રોલ પણ વેચી શકાતું નથી તો મોતના આ ગેમઝોનમાં આટલા મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી અને કેવી રીતે લાવવામાં આવતા હતા તે પણ તપાસ માંગી લેતી બાબત છે, જો કે, તંત્ર કે સીટ દ્વારા આ દિશામાં કોઈ તપાસ શરૂ ન કર્યાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.