લકઝરિયસ હોટેલમાં ડૉક્ટરો માટે દરરોજ થાય છે ટેબલ મિટિંગ
ડૉક્ટર-દવા કંપની વચ્ચે કમીશનનો
ખેલ’ કેવી રીતે-ક્યાંથી થાય છે શરૂ ?
દવાનો
વિકાસ’ કરવા માટે કંપની જ મોંઘીદાટ હોટેલમાં ડૉક્ટરોને ભેગા કરીને કરાવે છે ભાવતાં ભોજનીયા સહિતના ટેસડાં'
ટેબલ મિટિંગ’ થયા બાદ બીજા કે ત્રીજા જ દિવસે એમ.આર.સીધા ડૉક્ટરની મુલાકાતે પહોંચી જાય છે’ને શરૂ થાય છે કમિશનની ટકાવારીનો ખેલ'
ગાયનેક, એમ.ડી.ફિઝિશ્યન, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગેસ્ટ્રો, ઓન્કોલોજીસ્ટ સહિતની ફેકલ્ટીના તબીબો આપે છે
હાજરી’

પાઘડીનો વળ છેડે…કહેવત માફક દર્દીઓ કેવી રીતે ડૉક્ટર-દવા કંપની વચ્ચે ચાલતા કમિશનના ખેલને કારણે ચીરાઈ રહ્યા છે તેનો એક બાદ એક પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે ત્યારે લોકો તરફથી પણ આ ઝુંબેશને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અત્યારે મહત્તમ લોકોના મનમાં એક સવાલ ઉદ્ભવી રહ્યો છે કે આખરે ડૉક્ટર સાથે કમિશનનું સેટિંગ' પાર કેવી રીતે પડતું હશે ? શું કોઈ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ મતલબ કે એમ.આર. સીધા ડૉક્ટરના ક્લિનિક કે હોસ્પિટલે જઈને ડૉક્ટર સામે બંધ ચેમ્બરમાં બેસીને કમિશનનું
મિશન’ પાર પાડતાં હશે કે પછી બીજો પણ કોઈ રસ્તો હશે ? લોકોના આ સવાલોનો જવાબ વોઈસ ઓફ ડે' શોધી લાવ્યું છે અને આ
ખેલ’ શરૂ ક્યાંથી થાય છે તેનું મુળ પણ પકડી લેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે દવા બનાવતી એક કંપની અલગ-અલગ દવાની ૧૦ જેટલી પ્રૉડક્ટનું ઉત્પાદન કરે છે અને ડૉક્ટરો સાથેના સેટિંગ'ને કારણે તેનું બજારમાં વેચાણ બંબાટ થવા લાગે છે એટલે કંપનીને પ્રોડક્ટમાં વધારો કરવાનો વિચાર આવે છે. હવે કંપની વધુ ૧૦ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે પરંતુ તેનો પ્રચાર એક સાથે અને બહોળો કેવી રીતે કરવો તેની વિચારણાના અંતે પ્રતિષ્ઠિત મતલબ કે જ્યાં સૌથી વધુ દર્દી જતા હોય અને જેમનું તબીબી ક્ષેત્રમાં વજન પડતું હોય તેવા તબીબો માટે લકઝરિયસ હોટેલમાં એક બેઠકનું આયોજન કરે છે. આ બેઠકને
ટેબલ મિટિંગ’ તરીકે ઓળખવામાં આવે છે જે કાયદેસર છે કેમ કે આ બેઠકમાં દવા કંપની માત્ર પોતાની પ્રોડક્ટનો જ પ્રચાર કરતી હોય છે. જો કે પ્રચારના નામે મોંઘીદાટ હોટેલમાં ડૉક્ટરોને મનભાવતાં ભોજનીયા પીરસવામાં આવે છે.
આ બેઠક પૂર્ણ થયા બાદ બીજા કે ત્રીજા જ દિવસે દવા કંપનીના એમ.આર. ટેબલ મિટિંગમાં હાજર ડૉક્ટરના ક્લિનિક અથવા હોસ્પિટલે પહોંચી જાય છે અને નવી પ્રોડક્ટનો પ્રચાર કરવા માટે શરૂ થાય છે બેઠકોનો ધમધમાટ. અહીં પણ પ્રથમ મિટિંગે કશું થતું નથી. બે-ત્રણ મિટિંગ થયા બાદ કમિશનની ટકાવારી નક્કી થાય છે અને બધું સમુંસુતરું પાર પડે એટલે પછી ડૉક્ટર ચોક્કસ કંપનીની દવા લખવાનું શરૂ કરે છે જે પછી ગમે એટલી મોંઘી હોય કે સસ્તી હોય દર્દીએ તેની ખરીદી કરવા માટે કાં તો ડૉક્ટરના મેડિકલ કાં તો ડૉક્ટરને જ્યાંથી વધુ `લાભ’ મળતો હોય તે મેડિકલ સ્ટોરમાંથી જ દવાની ખરીદી કરવા મજબૂર બનવું પડી રહ્યું છે.
આ ટેબલ મિટિંગમાં અલગ-અલગ ફેકલ્ટીના ડૉક્ટરોને હાજર રાખવામાં આવે છે જેમાં ગાયનેક, એમ.ડી.ફિઝિશ્યન, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, ગેસ્ટ્રો, ઓન્કોલોજીસ્ટ સહિતનો સમાવેશ થતો હોવાનું જાણકારો પાસેથી જાણવા મળી રહ્યું છે.
એક ડૉક્ટર દવા લખે, બીજા ન લખે એટલે ડૉક્ટર જ કરે છે ભલામણ' !
ટેબલ મિટિંગ’માં હાજર ડૉક્ટર સાથે એમ.આર. દ્વારા કમિશનની ટકાવારી નક્કી થયા બાદ એ ડૉક્ટર તો દવા લખવાનું શરૂ કરી દે છે પરંતુ અન્ય ડૉક્ટર હજુ આ ચેઈનમાં સામેલ થઈ રહ્યા ન હોય એટલે એમ.આર. દ્વારા કમિશન નક્કી કરનાર ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવે છે અને બીજા ડૉક્ટરને પણ પોતાની દવા લખવા માટેની `ભલામણ’ કરવા માટે મનાવવામાં આવે છે. આ પછી એક ડૉક્ટર બીજા ડૉક્ટરને ચોક્ક્સ કંપનીની દવા લખવા માટે ભલામણ કરાય છે. આ રીતે કમિશનની જાળનો ફેલાવો વધુને વધુ થવા લાગે છે.
તમારે કોન્ફરન્સમાં ભાગ લેવો છે ? ચિંતા ન કરો…અમે છીએ
રાજકોટ સહિત આખા દેશમાં તબીબો માટે અલગ-અલગ કોન્ફરન્સ આયોજિત થતી હોય છે જેમાં કોઈ તબીબે ભાગ લેવો હોય તો નિશ્ચિત રકમ ભરપાઈ કરીને રજિસ્ટે્રશન કરાવવાનું હોય છે. આ કોન્ફરન્સ તબીબ માટે એટલે મહત્ત્વની બની રહેતી હોય છે કેમ કે તેમાં અનેક નામી-અનામી તબીબો સારવારમાં નવો આવિષ્કાર ઉપરાંત અદ્યતન ટેક્નોલોજી સહિતના જ્ઞાનની આપ-લે કરતા હોય છે. આ કોન્ફરન્સમાં કોઈ ડૉક્ટર જવા ઈચ્છુક હોય એટલે રકમ ભરપાઈ કરવાની જવાબદારી સીધી દવા કંપની ઉપર ઢોળી દે છે. દવા કંપની આ પૈસા ભરપાઈ પણ કરી આપે છે અને છેલ્લે જ્યારે `હિસાબ’ થાય એટલે રજિસ્ટે્રશન માટે ભરપાઈ કરેલી ફીની કપાત પણ કરી લેતી હોય છે.
સ્ટાફમિટિંગ ઉપરાંત ફિલ્મ જોવા-જમવા જવા સહિતનો ખર્ચ પણ કંપનીઓ પર નખાય છે
રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં છાશવારે સ્ટાફમિટિંગ સહિતના કાર્યક્રમ થતા હોય છે. આ ઉપરાંત અનેક હોસ્પિટલ દ્વારા વાર-પરબે સ્ટાફને સાગમટે ફિલ્મ જોવા અથવા તો જમવા લઈ જવા માટે પણ જાણીતી છે ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ સઘળો ખર્ચ પણ ડૉક્ટર અથવા હોસ્પિટલ દ્વારા દવા કંપની પર નાખી દેવામાં આવે છે કેમ કે આ જ ડૉક્ટરો જે તે દવા કંપનીની દવા લખવામાં ક્યારેય પાછીપાની કરતા હોતા નથી ! બાદમાં દવા કંપની આ તમામ ખર્ચ દર્દીઓને મોંઘા ભાવે દવા વેચીને વસૂલ કરી લ્યે છે !
અનેક ડૉક્ટર ફાર્મા કંપનીના ખર્ચે વિદેશની `સહેલગાહ’ માણી આવ્યા
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં અનેક એવા ડૉક્ટરો છે જેમની ગણના ટોચના તબીબોમાં થાય છે ત્યારે આવા તબીબો દવા કંપનીના ખર્ચે વિદેશની સહેલગાહ માણી આવ્યાના પણ અનેક દાખલા છે. આ પ્રકારના તબીબો પાસે દરરોજ દર્દીઓ ખૂટવાનું નામ લઈ રહ્યા ન હોવાથી જો તે ડૉક્ટરને સાચવી લેવામાં આવે તો જે તે કંપનીની દવા લખવાનો વધુ આગ્રહ રહે અને તેના કારણે દવાના વેચાણમાં પણ જોરદાર વધારો થતો હોય છે.
ગુજરાત બહારનો એક રિસોર્ટ તબીબો માટે ફેવરિટ', ધૂબાકા મારવાનું કોઈ ચૂકતું નથી તબીબી આલમ પાસેથી જ જાણવા મળેલી વિગતો મુજબ દવા કંપનીઓ દ્વારા વર્ષમાં એકાદ-બે વખત તબીબોને ગુજરાત બહારના એક રિસોર્ટમાં લઈ જવામાં આવે છે અને ત્યાં દરેક પ્રકારની
સગવડ’ ઉપલબ્ધ રાખવામાં આવે છે. એકાદ-બે વખત અહીં ગયા બાદ આ રિસોર્ટ તબીબો માટે પણ ફેવરિટ બની ગયો હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.