પત્નીએ ખાધા ખોરાકીનો કેસ કરતાં વાંકાનેરના યુવાને દવા પીધી
છૂટાછેડાનો કેસ કરી રૂ.10 લાખની માંગણી કરી હોવાનો યુવકનો આક્ષેપ
વાંકાનેરમાં રહેતા યુવાનની પત્નીએ છૂટાછેડા માટે રૂ.10 લાખની માંગણી કરતાં અને ખાધા ખોરાકીનો કેસ કરતાં યુવાને ઝેરી દવા પી આપધાતનો પ્રયાસ કર્યો હતો. દવાની ઝેરી અસર થતાં અને યુવાનની તબિયત લાથડતા તત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં જીનપરા મેઇન રોડ પર રહેતા અભિજીત હસમુખભાઇ ભીડોરા નામના 38 વર્ષીય યુવકે પોતાના ઘરે રાત્રીના સમયે ઝેરી દવા પી લેતા વાંકાનેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ યુવકના દિપ્તીબહેન સાથે 8 વર્ષ પૂર્વે પ્રેમ લગ્ન થયા હતા. છેલ્લા પાંચ માસથી દિપ્તીબહેન મોરબી પોતાના માવતરે ચાલી ગઈ હતી અને છૂટાછેડા અને ખાધા ખોરાકીનો કેસ કરી રૂ. 10 લાખની માંગણી કરી હોવાનો દાવો યુવાને કર્યો હતો. જ્યારે રૂ.5 લાખ લઈ યુવકની માવતરે ચાલી ગઈ હોવાનો આક્ષેપ પણ યુવાને કર્યો હતો. પોલીસ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.