સરફેશીનું શસ્ત્ર ! 28.57 લાખની બે મિલ્કતો જપ્ત કરાઈ
ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધા બાદ નાણાં નહીં ભરતા રાજકોટ તાલુકા મામલતદાર કચેરી દ્વારા સિક્યુરિટાઈઝેશન એક્ટ હેઠળ કાર્યવાહી
ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધા બાદ બાકી નીકળતા નાણાં ભરપાઈ નહીં કરનાર બે આસામીઓ વિરુદ્ધ રાજકોટ તાલુકા મામલતદાર કચેરી દ્વારા સિક્યુરિટાઈઝેશન એક્ટ હેઠળ સરફેશીનું શસ્ત્ર ઉગામી અલગ-અલગ બે મિલ્કતો પોલીસની હાજરીમાં જપ્ત કરી ફાઇનાન્સ કંપનીને કબ્જો સોંપી આપ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલ ઇન્ડિયા સેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડમાંથી મોર્ગેજ લોન લીધા બાદ સમયસર નાણાં ભરપાઈ ન કરતા ફાઇનાન્સ કંપની દ્વારા રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ સિક્યુરિટાઈઝેશન એક્ટ મુજબ મિલ્કત કબ્જે લેવા કાર્યવાહી કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મિલ્કત કબ્જે કરવા હુકમ કરતા રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રઘુવીરસિંહ વાઘેલા દ્વારા સરફેસી એકટ હેઠળ રૂ.10, 11,202ની બાકી લેણી રકમ પેટે કોઠારીયાના ગુજરાત હાઉસિંગ બોર્ડ 205ના યુનિટ નંબર 35ના મકાનને તેમજ રૂપિયા 18,46,248ની બાકી વસુલાત માટે કોઠારીયાના શિવમ પાર્કના સબ પ્લોટ નં.15/3, પૈકીની પશ્ચિમ તરફની જમીન પર આવેલ મકાન નો કબજો સંભાળી ઇન્ડિયા સેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડના અધિકૃત અધિકારીને સોંપેલ હતો.