“જે રીતે ખેલાડીઓ ટીમ ભાવનાથી રમ્યા તે જ ટીમ ભાવનાથી પડકારોને પાર પાડે”: પોલીસ કમિશનર
રાજકોટ પોલીસના ચોથા વાર્ષિક રમતોત્સવનું સમાપન
પાંચ દિવસીય રમતોત્સવમાં નવ ફિલ્ડ ઇવેન્ટ, છ ટીમ ગેમ અને ચાર ઇન્ડોર ગેમ્સ માટે અલગ-અલગ ચાર ટીમોમાં ૪૫૦ ખેલાડીઓએ ભાગ લઇ મેડલ મેળવ્યા
રાજકોટ શહેર પોલીસ દ્વારા યોજાયેલા ચોથા વાર્ષિક રમતોત્સવનું સમાપન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવમાં અલગ અલગ નવ ફિલ્ડ ઇવેન્ટ, છ ટીમ ગેમ્સ અને ચાર ઇન્ડોર ગેમ્સ માટે ચાર ટીમો બનાવવામાં આવી હતી. અને આ ચાર ટીમોમાં ૪૫૦ ખેલાડીઓ ભાગ લીધો હતો.અને અલગ અલગ ટીમના ખેલાડીઓને જીત મેળવતા તેઓને પોલીસ કમિશનર સહીતનાઓ દ્વારા મેડલ આપવામાં આવ્યા હતા.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ પરીવારમાં સદભાવના કેળવાય તેમજ માનસિક અને શારીરીક ફિટનેસ જળવાઇ રહે તેમજ પોલીસ અધિકારી-કર્મચારીઓ સ્ટેટ અને નેશનલ લેવલે પોલીસનુ નામ રોશન કરે, રમત ગમતને પ્રોત્સાહન મળે તે હેતુથી ૫ દિવસ માટે એટલે કે તા.૧૪ થી ૧૮ ડિસેમ્બર સુધી શહેર પોલીસ દ્વારા ચોથા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વાર્ષિક રમતોત્સવ ટે્રક એન્ડ ફીલ્ડમાં ૦૯ ઇવેન્ટ, ટીમ ગેમમાં ૦૬ ઇવેન્ટ અને ઇન્ડોર ગેમ્સમાં ૦૪ ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં કુલ ૦૪ ટીમો બનાવવામાં આવેલ છે. ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-૧, ડીસીપી ઝોન-૨ અને ડીસીપી પીએચકયુના મહિલા અને પુરુષ જવાનો મળી આશરે ૪૫૦ જેટલા ખેલાડીઓ ભાગ લીધો હતો.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, આ રમતોત્સવમાં રાજકોટ શહેર પોલીસની ચાર ટીમો બનાવવામાં આવેલ હતી. જે તમામ ટીમો ઉત્સાહપુર્વક અને ખેલભાવનાથી રમતમાં ભાગ લીધો સતત પાંચ દિવસ સુધી વિવિધ રમતોમાં ઉત્સાહપુર્વક રમવા બદલ હું તેમને બિરદાવું છુ. આ રમતોત્સવમાં કોણ જીત્યું અને કોણ હાર્યું તે મહત્વનું નથી પણ ઉત્સાહથી ભાગ લીધો તે મહત્વનું છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ હતો કે તમામ ખેલાડીઓ પોતાનું ટેન્શન ભુલીને આ રમતનો આનંદ લે.
આ વાર્ષિક રમતોત્સવમાં તમામ ખેલાડીઓ ટીમ ભાવનાથી રમ્યા છે તેવી જ રીતે કોઇ પણ પડકારોને રાજકોટ શહેર પોલીસ ટીમ ભાવનાથી પાર પાડશે તેવો સંકલ્પ લીધો હતો. જે ખેલાડીઓએ મેડલ પ્રાપ્ત થયા તેઓને અને જેમને મેડલ નથી મળ્યા તે બધા જ રમતવીરોને હું અભિનંદન આપુ છુ. જે રીતે આ રમતોત્સવમાં પરીવાર ભાવનાથી કાર્ય કર્યું તે રીતે જ પોલીસ તરીકેની ફરજો પણ સમુહ ભાવનાથી નિભાવીએ તેવી અપેક્ષા વ્યકત કરી હતી.જ્યારે જીત મેળવનાર તમામ ખેલાડીઓને પોલીસ કમિશનર દ્વારા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.