રાજકોટમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે તાપમાન ૪૦.૮ ડિગ્રી
બપોરના સમયે પડતો આકરો તાપ: સૂર્યનારાયણના રૌદ્ર રૂપથી લોકો ત્રાહિમામ
રાજકોટમાં રવિવાર આકરો રહ્યો હતો. શહેરમાં સવારથી જ આકરા તાપને કારણે રાજમાર્ગો પર લોકોની ચલપહલ ઓછી જોવા મળી હતી. ખાસ કરીને બપોરના સમયે વધુ પડતો તાપ હોવાને કારણે લોકોમાં ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. રવિવારે રાજકોટમાં તાપમાનનો પારો ૪૦.૮ ડિગ્રી રહેવા પામ્યો હતો.
રાજકોટમાં અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. દિવસે પડતાં આકરા તાપ અને રાત્રિના સમયે અનુભવાતા બફારાને કારણે લોકો ત્રાસી ગયા છે. રવિવારે પણ બપોરના ૧ થી ૪ વાગ્યા દરમિયાન સૂર્યનારાયણનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું.
શહેરમાં રવિવારે બોપરના સમયે અંગ દઝાડતી ગરમી પડી હતી. ધોમધખતા તાપમાં શહેરીજનોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જ્યારે મહત્તમ તાપમાનનો પારો ૪૦.૮ ડિગ્રીએ પહોંચી ગયો હતો. મહત્વનું છે કે, છેલ્લા ત્રણેક દિવસથી રાત્રિના સમયે પણ અસહ્ય બફારાનો લોકો અનુભવ કરી રહ્યા છે.