રાજકોટમાં તાપમાનનો પારો ફરી ૪૦ ડિગ્રીએ પહોંચ્યો
બપોરના સમયે આકરા તાપ સાથે લૂ અનુભવાઈ: તા.૧૧ થી ૧૩ સુધી રાજ્યના કેટલાક સ્થળોએ માવઠાની આગાહી
રાજકોટના તાપમાનમાં એક જ દિવસમાં દોઢ ડિગ્રીનો ઉછાળો આવ્યો છે. શહેરમાં બે દિવસ ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ બાદ સોમવારે સવારથી જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને મહત્તમ તાપમાનનો ફરી એકવાર ૪૦ ડિગ્રીએ પહોંચી ગયો હતો. જેના કારણે બપોરના સમયે આકરો તાપ અનુભવાયો હતો.
રાજકોટમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગત સપ્તાહમાં મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીથી ઘટીને ૩૭ દિગીરી સુધી પહોંચી ગયો હતો. જેના કારણે શહેરીજનોને કાળઝાળ ગરમીમાં આંશિક રાહત મળી હતી. તેમાં પણ છેલ્લા બે દિવસથી રાત્રિના સમયે ઠંડો પવન ફૂંકાતા ઠંડી-ગરમીનું મિશ્ર વાતાવરણ અનુભવાયું હતુ. જો કે સોમવારથી ફરી એકવાર તાપમાનનો પારો ઉચકતા અસહ્ય ગરમી શરૂ થઈ છે.
બીજી તરફ હવામાન વિભાગે અગાઉ સોમવારથી બે દિવસ સુધી ગરમી વધશે. તેવી શક્યતા વ્યક્ત કરી હતી અને તે પ્રમાણે રાજકોટમાં મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રીથી વધીને ૪૦ ડિગ્રીએ પહોંચી ગયું હતું. બે દિવસ બાદ ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં રાહત મળશે. નોંધનીય છે કે, ઉનાળામાં અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાન વિભાગે આગામી તા.૧૧થી ૧૩ સુધી રાજ્યના કેટલાક સ્થળોએ માવઠાની આગાહી કરી છે. જેમાં સાબરકાંઠા, ભરૂચ, સુરત ઉપર્ણત ભાવનગર-ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.