કાલે મહાપાલિકાનું બજેટ `કદ’માં વધારો નિશ્ચિત
૨૦૨૩-૨૪નું બજેટ ૨૫૮૬.૮૨ કરોડનું હતું જેમાં વધારો થઈ શકે: ચૂંટણીને ધ્યાનમાં
રાખી પ્રજાની કેડે કરબોજ વધવારવામાં નહીં આવે: અનેક નવી યોજના આવશે
મહાપાલિકા દ્વારા આવતીકાલે ૨૦૨૪-૨૫નું આવક-જાવકનું અંદાજપત્ર (બજેટ) જાહેર કરવામાં આવશે જેમાં શહેરની વસતી-વિસ્તારને ધ્યાનમાં રાખી `કદ’માં વધારો નિશ્ચિત જણાઈ રહ્યો છે. મ્યુનિ.કમિશનર આનંદ પટેલનું રાજકોટમાં આ પ્રથમ બજેટ હોય તેવો શહેરીજનોની સુખાકારી માટે કેવા પ્રકારની નવી યોજનાઓ જાહેર કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ૨૦૨૩-૨૪ના બજેટનું કદ ૨૫૮૬ કરોડ રૂપિયા હતું જેની સામે ૨૦૨૪-૨૫ના બજેટની રકમ વધારો હોઈ શકે છે. જ્યારે ૨૦૨૨-૨૩નું બજેટ ૨૧૪૫ કરોડનું રહ્યું હતું.
દરમિયાન આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોય પ્રજાની કેડે કોઈ પણ પ્રકારનો કરબોજ નાખવામાં આવે તેવી શક્યતા નહીંવત્ રહેલી છે. બીજી બાજુ દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી શકે છે ત્યારે આ યોજનાઓ કેવી અને શું હશે તેને લઈને પણ લોકો રાહ જોઈને બેઠા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બજેટને લઈને છેલ્લા ઘણા સમયથી મહાપાલિકા કચેરીમાં બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હવે મનપાના પટારામાંથી શું નીકળે છે તે આવતીકાલે જાહેર થઈ જશે.