ઘરફોડી-ચોરી-અકસ્માતનું હબ’ એટલે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તાર !
જેના નામમાં ગાંધી' આવે છે તે પોલીસ મથકમાં મારામારી-દારૂના કેસનો
ઢગલો’૯૨ દિવસમાં પાંચ મકાનના તાળા તૂટ્યા જેમાંથી ત્રણનો ભેદ ઉકેલાયો, બે હજુ બાકી: વાહન-મોબાઈલ, નાની-મોટી રોકડ ચોરીના ૨૨ ગુન્હા
હાઈ-વેની હદ હોવાને કારણે ગંભીર અકસ્માતોનું પ્રમાણ પણ વધુ: એઈમ્સ પણ આ પોલીસ મથકની હદમાં આવી જતાં કામગીરીનું
ભારણ’ વધ્યું
બબ્બે વખત હત્યાના પ્રયાસ તો પાંચ વખત મારામારીના ગુન્હા: જુગાર સહિતના કેસ પણ નોંધપાત્ર
જેના નામમાં જ ગાંધી' આવે છે તે ગાંધીગ્રામ પોલીસ મથક વિસ્તારમાં હિંસક ગુન્હાઓનું પ્રમાણ અન્ય પોલીસ મથકની તુલનાએ ત્રણ મહિનામાં વધુ રહ્યું હોવાનું પ્રાપ્ત થયેલા આંકડા પરથી પૂરવાર થઈ રહ્યું છે. આ ઉપરાંત ઘરફોડ ચોરી મતલબ કે ઘરમાં ઘૂસીને ચોરીને અંજામ આપવો, મોબાઈલ, વાહન, રોકડ સહિતની ચોરી તેમજ અકસ્માતનું હબ પણ આ પોલીસ મથક વિસ્તાર બની જવા પામ્યું છે. નાની-નાની વાતમાં છરીઓથી હુમલા, મકાનને ટાર્ગેટ કરીને હજારોથી લઈ લાખોની ચોરી તેમજ દારૂના કેસનો ઢગલો જોવા મળી રહ્યો છે. સારી વાત એ છે કે અહીંના સ્ટાફ દ્વારા ગુન્હાનો ભેદ પણ ઝડપથી ઉકેલી નાખવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે ત્રણ મહિનાના ૯૨ દિવસની અંદર અહીં ખૂનનો એક પણ બનાવ બનવા પામ્યો નથી. આ પોલીસ મથકનો વિસ્તાર ૨૮ ચોરસ કિલોમીટરનો છે જેની રક્ષા એક પીઆઈ, ચાર પીએસઆઈ સહિત ૮૦ લોકોનો સ્ટાફ કરી રહ્યો છે. વળી, એઈમ્સ હોસ્પિટલ પણ આ પોલીસ મથક વિસ્તારમાં સામેલ થઈ ગઈ હોવાને કારણે કામગીરીનું
ભારણ’ વધી ગયાનું પણ નોંધપાત્ર છે.
પાછલા ૯૨ દિવસ દરમિયાન આ પોલીસ મથક વિસ્તારમાં બનેલા ગંભીર ગુન્હાની વાત કરવામાં આવે તો અહીં હત્યાના પ્રયાસના બે ગુન્હા નોંધાયા છે. આ ઉપરાંત પાંચ મકાનના તાળાં તૂટ્યા છે જેમાંથી ત્રણના જ ભેદ ઉકેલી શકાયા છે, બાકીના બે હજુ પણ વણઉકેલ જ છે. આ જ રીતે નાની-મોટી ૨૨ ચોરી થઈ છે જેમાંથી ૧૧ ઉકેલાઈ છે. મારામારીની વાત કરવામાં આવે તો પાંચ વખત લોહિયાણ ધીંગાણા ખેલાયા છે જેમાં સામેલ તમામ આરોપીઓને પકડીને કાયદાનું ભાન કરાવાયું છે. દુષ્કર્મનો એક ગુન્હો પણ ૯૨ દિવસમાં પોલીસ મથકના ચોપડે નોંધાયો છે.
આ પોલીસ મથક વિસ્તારની હદમાં માધાપર ચોકડી સહિતના હાઈ-વે સાથે જોડાયેલા વિસ્તાર સમાવિષ્ટ હોવાને કારણે અહીં ૯૨ દિવસમી અંદર પાંચ ગંભીર અકસ્માત સહિત અકસ્માતના આઠ ગુન્હા નોંધાયા છે જેમાંથી સાતનો ઉકેલ આવી ગયો હોવાનું મળેલા આંકડા પરથી ફલિત થઈ રહ્યું છે. ખાસ કરીને અહીં દારૂ તેમજ જુગારના કેસ પણ નોંધપાત્ર છે. ૯૨ દિવસમાં દારૂની હેરાફેરીના ૧૦૧ અને જુગારના ૧૮ કેસ ગાંધીગ્રામ પોલીસ મથકે કર્યા છે.